Site icon Revoi.in

બિહારઃ નેપાળ લઈ જવાતા 8 કિલો સોનું સાથે  બે શખ્સો ઝડપાયાં

Social Share

પટના: રક્સૌલ બોર્ડરથી લગભગ 60 કિલોમીટર દૂર રાતોમતી ચેકપોસ્ટ પર દાણચોરી કરાયેલા સોનાનો મોટો કન્સાઈનમેન્ટ જપ્ત કરાયો છે. નેપાળ પોલીસે આ કેસમાં બે ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. નેપાળ પોલીસે વીરગંજ કાઠમંડુ રોડ પર વાહનની તપાસ કરતી વખતે આ રિકવરી કરી હતી. પોલીસ ટીમે 8 કિલો 243 ગ્રામ 970 મિલિગ્રામ સોનું જપ્ત કર્યું છે, જેની કિંમત અંદાજિત 11.43 કરોડ રૂપિયા છે. હાલના સમયમાં સોનાની દાણચોરીના મામલામાં આ એક મોટી રિકવરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નેપાળના મકવાનપુરના હેતૌરા ખાતે આવેલી રાતોમતી પોલીસ ચેકપોસ્ટ પર મકવાનપુરના એસપીની આગેવાની હેઠળ ગુપ્ત બાતમીના આધારે દશેરા-દિવાળી પર દાણચોરી રોકવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. એસપી વિશ્વ રાજ ખડકાએ જણાવ્યું હતું કે, વહેલી સવારે 3 વાગ્યે ચોક્કસ માહિતીના આધારે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના દિઘાંચી પોલીસ સ્ટેશન હેઠળના પુજારવાડીના રહેવાસી અભિષેક અજીનાથ કુટી (ઉ.વ. 25) અને રાહુલ ભીટ્ટીહાલ (ઉ.વ 27)ને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી સોનુ મળી આવ્યું હતું.  તેમણે પોતાના શરીરના અલગ-અલગ ભાગો પર ટેપથી બાંધેલા સોનાના બિસ્કિટ લાવી રહ્યા હતા.

એસપી વિશ્વરાજ ખડકાએ તપાસ બાદ ખુલાસો કર્યો છે કે બંને બિહાર થઈને મધ્ય રાજ્યની રાજધાની જનકપુર આવ્યા હતા અને ત્યાંથી પેસેન્જર બસ દ્વારા બારા જિલ્લાના પથલાઈયા પહોંચ્યા હતા. આ પછી તે સોનાના માલ સાથે સ્કૂટી પર હેટૌડા તરફ જઈ રહ્યા હતા. તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બંને સોનાના કન્સાઈનમેન્ટને કાઠમંડુના ગૌશાળામાં પહોંચાડવા જઈ રહ્યા હતા. આ પહેલા પણ તેઓ 2 કિલો સોનું કાઠમંડુ લઈ ગયા હતા. આરોપીઓ વોટ્સએપ દ્વારા હોંગકોંગમાં બેઠેલા આકાઓ સાથે વાત કરતા હોવાના પુરાવા મળ્યા છે.