બીજાપુરઃ એન્કાઉન્ટર સ્થળ પરથી વધુ 3 નક્સલીના મૃતદેહ મળ્યા, 13 નક્સલીઓને ઠાર મરાયાં
નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લાના નક્સલ પ્રભાવિત વિસ્તારના જંગલમાં 2 એપ્રિલે થયેલા એન્કાઉન્ટર બાદ બુધવારે વધુ 3 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. એન્કાઉન્ટર સ્થળ પરથી અત્યાર સુધીમાં 13 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. એન્કાઉન્ટર દરમિયાન એક જવાન ઘાયલ થયો હતો. તો બસ્તરમાં સુરક્ષા દળોનું આ અત્યાર સુધીનું સૌથી સફળ નક્સલ વિરોધી ઓપરેશન છે.
નક્સલવાદીઓની લડાયક ટુકડી નંબર ટુ કંપની સાથેના એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. એન્કાઉન્ટર સ્થળ પરથી લાઇટ મશીનગન, બેરલ ગ્રેનેડ લોન્ચર અને અન્ય હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો હતો. જવાનોએ બે મહિલાઓ સહિત 11 પુરૂષ નક્સલીઓના મૃતદેહ બહાર કાઢ્યા છે.
એન્કાઉન્ટરમાં ઘણા કુખ્યાત નક્સલીઓના મોતની પણ માહિતી છે. બીજાપુર એસપી અને બસ્તર IG ના જણાવ્યા અનુસાર માર્યા ગયેલા નક્સલવાદીઓમાં પીએલજીએ કંપનીના બે માઓવાદીઓ પણ સામેલ છે.
આ એન્કાઉન્ટરમાં ડીવીસી સભ્ય પાપા રાવ સહિત ઘણા કુખ્યાત નક્સલવાદીઓ માર્યા ગયા હોવાનો અહેવાલ છે. જોકે હજુ સુધી તેમના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પાપા રાવ પર 8 લાખ રૂપિયાનું ઈનામ છે. તે બીજાપુર-સુકમાના સરહદી વિસ્તારમાં સક્રિય છે.
જો માર્યા ગયેલા નક્સલવાદીઓમાં પાપા રાવ પણ સામેલ હોય, તો તે મોટી સફળતા સાબિત થશે. પાપા રાવ માઓવાદીઓની સેન્ટ્રલ કમિટીનો સભ્ય છે. બસ્તરમાં દરેક મોટી નક્સલવાદી ઘટનામાં સામેલ રહ્યા છે. છેલ્લા ત્રણ મહિનામાં 43 નક્સલવાદીઓ માર્યા ગયા છે.
મંગળવારે લગભગ 8 કલાક સુધી એન્કાઉન્ટર ચાલ્યું હતું. જેમાં ડીઆરજી, સીઆરપીએફ, કોબ્રા અને બસ્તર બટાલિયનોએ નક્સલીઓને ઠાર કર્યા હતા.