મોડાસાઃ ગુજરાતમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. મોટાભાગના વાહનો ઓવરટેક કરવાને લીધે અકસ્માતો સર્જાતા હોય છે. આવો એક અકસ્માતનો બનાવ ધનસુરા-વડાગામ હાઈવે પર સર્જાયો હતો. બાઈકચાલક પૂરફાટ ઝડપે એસટી બસને ઓવરટેક કરીને આગળ જતાં સામેથી આવી રહેલા ટ્રેકટર સાથે અથડાઈને રોડ પર પટકાયો હતો. દરમિયાન પાછળ આવી રહેલી એસટી બસના વ્હીલ બાઈકચાલક પર ફરી વળતા તેનું મોત નિપજ્યું હતું.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ધનસુરા-વડાગામ હાઇવે પર મોડી રાત્રે ભુજથી બાયડ તરફ એક એસ.ટી. બસ જઈ રહી હતી. દરમિયાન પાછળ એક બાઇક પર સોનાપુર ગામનો અશોક વાઘેલા નામનો યુવાન જઇ રહ્યા હતો. ત્યારે એસ.ટી.ની ઓવરટેક કરવા જતા સામેથી આવતા એક ટ્રેક્ટર સાથે બાઈક ધડાકાભેર અથડાઈ હતી. જેથી બાઈક પર સવાર અશોક વાઘેલા જોરદાર ટક્કરના કારણે નીચે પટકાયા હતા. તેવામાં પાછળ આવતી એસ.ટી. બસના ટાયર બાઈકસવાર પર ફરી વળતા
લોહીલુહાણ થયો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પીએમ માટે ધનસુરા સીએચસી ખસેડાયો હતો. પોલીસે અકસ્માત મામલે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સોનાપુરના આશાસ્પદ યુવકનું મોત નીપજતા પરિવાર અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. વડાગામ-ધનસુરા હાઇવે પર એકતરફ રોડનું કામ ચાલી રહ્યું છે તો બીજી તરફ વડાગામ આસપાસ ક્વોરીનો વ્યવસાય હોવાથી ભારે વાહનોની અવરજવર પણ વધુ રહે છે. જેથી રોડ પર મોટા મોટા ખાડા પડી ગયા છે. આમ આવા અકસ્માતો માટે તંત્રની બેદરકારી પણ જોવા મળતી રહી છે.