સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. પૂરફાટ ઝડપે દોડતા વાહનોને કારણે અતસ્માતોના બનાવો વધી રહ્યા છે. જેમાં શહેરના વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં પૂરફાટ ઝડપે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર એમબીબીએસના વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવમાં પોલીસે ડમ્પરચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
સુરત શહેરમાં નો એન્ટ્રી સમયે માતેલા સાંઢની જેમ ડમ્પરો દોડતા હોય છે. તેના લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં અકસ્માતના બનાવમાં નિર્દોષ યુવાનનો ભાગ લેવાયો છે. શહેરના વેડ રોડ અંબાજી ચોક વિસ્તારમાં પૂરફાટ ઝડપે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકસવાર યવાનું મોત નિપજ્યું હતું.. જૂનાગઢના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જશુભાઈ નારીગ્રા પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે. જશુભાઈને સંતાનમાં બે પુત્ર છે. જે પૈકી 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી MBBSનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત આવ્યો હતો. અને બાઈક લઈને જતાં વિવેક અકસ્માતનો ભોગ બન્યો હતો. ડમ્પરે અડફેટે લેતા બાઈકચાલક વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેનું ગંભીર ઈજાને પગલે ટૂંકી સારવારમાં મોત થયું હતું.
સિંગણપોર-ડભોલી પોલીસ દ્વારા ગુનો નોંધી ડમ્પરચાલકની અટકાયત કરી હતી. શહેરમાં દિવસે ને દિવસે માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આ માર્ગ અકસ્માતને અંકુશમાં લાવવા માટે સુરત પોલીસ કમિશનર નવા ટ્રાફિકના નિયમો લઈને આવ્યા છે. પરંતુ આ બનાવો જોતા એમ લાગી રહ્યું છે કે, આ નિયમોથી કંઈ ફરક પડતો નથી. નો એન્ટ્રીમાં પણ ભારે વાહનો બેફામ દોડી રહ્યાં છે.