અમદાવાદઃ ઉત્તારાયણને હવે એકાદ મહિનો સમય બાકી રહ્યો છે. ત્યારે કેટલાક બાળકો અત્યારથી પતંગ ચગાવવાનો આનંદ ઉઠાવી રહ્યાં છે. દરમિયાન આણંદમાં મોટરસાઈકલ ઉપર પસાર થતા યુવાનનું ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા તેનું મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના પેટલાદના આશી ગામમાં મોટરસાઈકલ ઉપર પસાર થતા 50 વર્ષીય આધેડના ગળામાં ચાઈનીઝ દોરી વાગી હતી. જેથી આધેડને ગંભીર ઈજા થતા તેમનું મોત થયું હતું. ચાઈનીઝ દોરીના વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હોવા છતા ચાઈનીઝ દોરીથી ગળુ કપાવાની ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થયાં છે. આ બનાવની જાણ થતા જ સ્થળ પર દોડી ગયેલી પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી છે જેથી દોરી રંગવાની કામગીરી તેજ બની છે એટલું જ નહીં વેપારીઓ દ્વારા પતંગ અને દોરીનું વેચાણ કરી રહ્યાં છે. ગુજરાતમાં દર વર્ષે ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે તો ચાઈનીઝ દોરીનું વેચાણ કેવી રીતે થાય છે તે અંગે સવાલો ઉભા થયાં છે.