Site icon Revoi.in

નેપાળની જેલમાંથી બિકીની કિલર ચાર્લ્સ શોભરાજ બહાર આવ્યો

Social Share

નવી દિલ્હીઃ ‘બિકીની કિલર’ ચાર્લ્સ શોભરાજ લગભગ બે દાયકા બાદ જેલની બહાર આવ્યો હોવાનું જાણવા મળે છે. આજે શોભરાજ નેપાળની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. નેપાળની સર્વોચ્ચ અદાલતે બુધવારે ચાર્લ્ચને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. તેની ઉંમરને જોતા કોર્ટે શોભરાજની સજા 20 વર્ષની જગ્યાએ 19 વર્ષની કરી છે. 78 વર્ષનો શોભરાજ ફ્રાંસનો નાગરિક છે. શોભરાજ જેલમાંથી મુક્ત થયા બાદ તેને હવે તેના દેશ મોકલી આપવાની તંત્રએ કવાયત શરૂ કરી છે.

પોલીસનું કહેવું છે કે તેણે 1970 અને 1980ના દાયકામાં અનેક હત્યાઓ કરી હતી. શોભરાજ પર સમગ્ર એશિયામાં 20થી વધુ લોકોની હત્યા કરવાનો આરોપ છે. કહેવાય છે કે તેણે લૂંટના ઈરાદે આ ઘટનાઓને અંજામ આપ્યો હતો. આરોપી પીડિતાના ખાવા-પીવામાં ડ્રગ્સ ભેળવીને પોતાની યોજનાઓને અંજામ આપ્યો હતો.

શોભરાજ પહેલા ગુરુવારે જેલમાંથી બહાર આવી શક્યો હોત, પરંતુ કાનૂની પ્રક્રિયાને કારણે શુક્રવારે જેલમાંથી બહાર આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફ્રાન્સના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તેમની દૂતાવાસ સ્થિતિ પર નજર રાખી રહી છે.

શોભરાજની વર્ષ 1976માં ધરપકડ કરવામાં આવી હતી. 1986 માં ટૂંકા ગાળા સિવાય, તેણે ભારતમાં 21 વર્ષ જેલમાં વિતાવ્યા હતા. તે દરમિયાન તે ભાગી ગયો હતો, પરંતુ ગોવાથી ફરી ધરપકડ કરવામાં આવી હતી. 1997માં રિલીઝ થયા બાદ શોભરાજ પેરિસમાં રહેતો હતો, પરંતુ 2003માં તે નેપાળ ગયો હતો. જે બાદ નેપાળ પોલીસે તેને ઝડપી લીધો હતો.