અમદાવાદઃ માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક અને વિશ્વમાં સૌથી ધનિક ગણાતા બિલ ગેટ્સ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નજારો માણવા માટે આવી પહોંચતા બીલ ગેટ્સનું રાજ્યના પ્રોટોકોલ મંત્રી જગદિશ વિશ્વકર્મા, જિલ્લા કલેક્ટર સહિત અધિકારીગણે ભાવભીનું સ્વાગત કર્યું હતું. બીલ ગેટ્સ સરદાર પટેલના વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમજ આરોગ્ય વનની મુલાકાત લઈને પ્રભાવિત બન્યા હતા.
માઈક્રોસોફ્ટ કંપનીના સહ સંસ્થાપક અને વિશ્વમાં સૌથી ધનિક ગણાતા બિલ ગેટ્સ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જવા વડોદરા એરપોર્ટથી હેલિકોપ્ટરમાં બેસી કેવડિયા પહોંચ્યા હતા. નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ ગેટ્સનું ગુજરાતના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, નર્મદા નિગમના વહીવટી સંચાલક અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ચેરમેન મુકેશ પુરી, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, સહિત ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બીલ ગેટ્સએ સ્થાનિક આદિવાસી મહિલા રિક્ષાચાલકો સાથે સંવાદ પણ કર્યો હતો. તેમજ કેફેટેરિયા ચલાવતી મહિલાઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત બિલ ગેટ્સ આરોગ્ય વન સહિતનાં અન્ય સ્થળોની પણ મુલાકાત લીધી હતી..
બિલ ગેટ્સે આદિવાસી વિસ્તારની સરાહના કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ આદિવાસી વિસ્તારોનો વિકાસ કર્યો છે. તેમના ભણતર, આરોગ્ય સેવાથી લઈને તમામ જરૂરીયાતની વસ્તુઓ પહોંચાડવા પ્રયાસો હાથ ધર્યા છે. બિલ ગેટ્સના આગમનને લઈ વડોદરા એરપોર્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હરણી પોલીસ મથકના સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો. બિલ ગેટ્સના આગમન પૂર્વે ઉચ્ચ અધિકારીઓ સહિત કલેક્ટર કચેરીના ઉચ્ચ અધિકારીઓ વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યારે કલેક્ટર બિજલ શાહ અને પોલીસ કમિશનર અનુપમસિંઘ ગેહલોતે એરપોર્ટ પર બિલ ગેટ્સનું સ્વાગત કર્યું હતું.
માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સ ભારતમાં છે અને તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ સમયગાળા દરમિયાન બંને વચ્ચે ઘણા વૈશ્વિક મુદ્દાઓ અને પરિવર્તનની જરૂરિયાત પર ચર્ચા થઈ હતી. બિલ ગેટ્સ ભારતના પ્રવાસે છે અને આ બેઠક દિલ્હીમાં થઈ હતી.