Billionaires List:એલન મસ્ક ફરીથી વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બન્યા,બર્નાર્ડ અર્નોલ્ટને છોડ્યા પાછળ
દિલ્હી:વિશ્વના અબજોપતિઓની યાદીમાં મોટો ફેરફાર થયો છે. ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.છેલ્લા 24 કલાકમાં મસ્કની સંપત્તિમાં ઉછાળા સાથે કુલ નેટવર્થ વધીને 187 અરબ ડોલર થઈ ગઈ છે. અત્યાર સુધી નંબર વન ખુરશી પર બેઠેલા ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ અર્નોલ્ટ 185 અરબ ડોલરની નેટવર્થ સાથે બીજા નંબરે સરકી ગયા છે.
Bloomberg Billionaires Index મુજબ, 24 કલાકની અંદર એલન મસ્કની સંપત્તિમાં 6.98 અરબ ડોલરનો ઉછાળો આવ્યો છે. આ સાથે તેણે ફરી એકવાર નંબર વનનું સ્થાન કબજે કર્યું. છેલ્લા કેટલાક દિવસોથી મસ્કની પ્રોપર્ટીમાં આવેલી તેજીને જોતા એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી કે તે ટૂંક સમયમાં નંબર વન અમીર બની શકે છે.
ગયા વર્ષે જ્યાં એલન મસ્ક સૌથી વધુ સંપત્તિ ગુમાવવાના મામલામાં ટોચ પર હતા, તો આ વર્ષની શરૂઆતથી તેમની કંપનીના શેરમાં વધારાને કારણે નેટવર્થમાં વધારો થયો હતો, જે હજુ પણ ચાલુ છે.આ વર્ષે અત્યાર સુધીમાં એલન મસ્કની સંપત્તિમાં 50.1 અરબ ડોલરનો વધારો નોંધવામાં આવ્યો છે. જોકે, પ્રથમ નંબરથી બીજા સ્થાને સરકી ગયેલા બર્નાર્ડ અર્નોલ્ટની સંપત્તિમાં આ વર્ષે અત્યાર સુધીમાં 23.3 અરબ ડોલરનો વધારો થયો છે.