અમદાવાદઃ પેટ્રોલ-ડિઝલના વધતા જતા ભાવ સામે તેનો વિક્લ્પ શોધી દેવામાં આવ્યો છે.એક એન્જિનિયર સ્ટુડન્ટે કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શનમાં એક એવું ફ્યુઅલ તૈયાર કર્યું છે. કે, જેનાથી પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને ફ્યુઅલના વાહનો ચાલી શકે છે. આ ઇજનેરે શેવાળમાંથી બાયોફ્યુઅલનું સર્જન કર્યું છે અને તેને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની સ્વિકૃતિ પણ મળી ચૂકી છે. કેન્દ્રની માન્યતા બાદ ગુજરાતમાં પણ કેટલાક ખેડૂતો તેમજ વેપારીઓ શેવાળમાંથી બાયોફ્યુઅલ બનાવવા માટે તૈયાર થયાં છે. એક એશોસિયેશન તરફથી રાજ્ય સરકારમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, નર્મદાની કેનાલો, જળાશયો અને તળાવોમાં શેવાળની ખેતી કરવા માટે ભાડે આપવામાં આવે કે જેથી શેવાળનું ઉત્પાદન કરીને બાયોફ્યુઅલ બનાવી શકાય.
સૂત્રોના જણાવ્યા મુજબ શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ ઝારખંડના રાંચીમાં વેચાઇ રહ્યું છે. માન્યતા મળ્યા પછી આખા દેશમાં એકમાત્ર રાંચી શહેરમાં તેનો એક જ પંપ કાર્યાન્વિત કરવામાં આવેલો છે. આ પમ્પ પરથી આ ઇંધણ પ્રતિદિન 2000 થી 2500 કિલોલીટર વેચાણ થઇ રહ્યું છે. આ ઇંધણ પેટ્રોલના હાલના ભાવ કરતાં 27 રૂપિયા સસ્તું છે અને તે કૃષિની પેદાશ છે. મહત્વની બાબત એવી છે કે તે પોલ્યુશન ફ્રી છે. વિશાલ પ્રસાદ ગુપ્તા નામના એન્જિનિયરે આ બાયોફ્યુઅલ વેચવા માટે 2020માં પમ્પ ખોલવાની મંજૂરી માગી હતી અને તેને કેન્દ્રીય મંત્રાલયમાં મળી ચૂકી હતી. રાંચીમાં મોર માઇલેજના નામથી આ બાયોફ્લુઅલ વેચાઇ રહ્યું છે.
આ બાયોફ્યુઅલનો ઉપયોગ ઇએમ590 ડીઝલ એન્જીનવાળા તમામ વાહનોમાં થઇ શકે છે અને તેની કિંમત 78 રૂપિયા છે. રાંચીમાં પરંપરાગત ડીઝલ હાલમાં 92 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. પેટ્રોલના વાહનોમાં આ ઇંધણ પુરવામાં આવે છે તો વાહનચાલકોને 27 રૂપિયાનો ફાયદો થાય છે, કારણ કે રાંચીમાં પેટ્રોલનો ભાવ 99 રૂપિયા સુધી ગયો છે.