બિપરજોયનું સંકટઃ દ્વારકા મંદિર બંધ રખાશે, TAT(S) ની મુખ્ય પરીક્ષા મોકુફ રખાઈ
અમદાવાદઃ અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડુ આવતીકાલે ગુરુવારે ગુજરાતના જખૌ બંદર નજીક દરિયા સાથે ટકરાવવાની શકયતા છે. જેની અસર રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. દરમિયાન દ્વારકામાં સુરક્ષાના કારણોસર એક દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે દ્વારકા મંદિર દર્શન માટે બંધ રહેશે. બિપરજોય વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
કચ્છમાં સાયક્લોન બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા તથા ખાનાખરાબીને પહોંચી વળવા PGVCLની જિલ્લા અને જિલ્લા બહારની ટીમો તૈનાત કરાઈ છે. ટેલિકોમ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે જેથી વાવાઝોડાથી અસરગ્રસ્ત કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જુનાગઢ અને મોરબી જિલ્લાના નાગરિકો કોઈપણ ટેલિકોમ ઓપરેટર નેટવર્કનો ઉપયોગ કરી શકશે. ગુજરાત લાયસન્સ સર્વીસ એરિયાઝ (GLSA) દ્વારા જણાવ્યાનુસાર, નાગરિકોએ સેવાનો લાભ લેવા મોબાઇલમાં સેટિંગ્સ > સિમ કાર્ડ > મોબાઇલ નેટવર્કને મેન્યુઅલી પસંદ કરવાનું રહેશે. આ સેવાઓ તા. 17 જૂન 2023ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શિક્ષક અભિયોગ્યતા કસોટી (માધ્યમિક) TAT(S) ની મુખ્ય પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. આ પરીક્ષા આગામી 18 જૂન 2023 ના રોજ યોજાવાની હતી. જો કે બિપોરજોય વાવાઝોડાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી આ મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે TAT(S)ની મુખ્ય પરીક્ષા 25 જૂન 2023ના રોજ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જિલ્લાઓના પરીક્ષાર્થી ઉમેદવારોને વિશેષ રાહત મળશે. સંભવિત વાવાઝોડાની અસરને પરિણામે વાંચન સહિતની તૈયારીઓ ન કરી શકનાર ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય પણ મળી રહેશે.
દરમિયાન માહિતી અનુસાર મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ 69 ટ્રેનો કેન્સલ કરી દીધી છે. જ્યારે સૌરાષ્ટ્ર તરફ દોડતી આશરે 350થી વધુ બસો પર રદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.