Site icon Revoi.in

રાજકોટ એરપોર્ટ પર બર્ડ હીટ ઘટના, પાઈલોટની સમયસુચકતાથી 97 મુસાફરોનો બચાવ

Social Share

રાજકોટઃ શહેરના  એરપોર્ટ પર અવારનવાર બર્ડ હિટની ઘટના બનતી રહે છે. ગઈકાલે સાંજે રાજકોટ-મુંબઈ ફલાઈટ સાથે ટેક ઓફ સમયે રન-વે પર એન્જિન સાથે પક્ષી ટકરાતા પાયલોટે સમય સૂચકતા વાપરી ફલાઈટને થંભાવી દેતા મોટી દૂર્ઘટના ટળી હતી. આ ફલાઈટ્સએ આજે ટેકનીકલ ટીમ દ્વારા ચકાસણી થયા બાદ ફરી ઉડાન ભરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના રવિવારે સાંજે એર ઈન્ડિયાની એઆઈસી 655/656 રાજકોટ-મુંબઈ  ફ્લાઈટ ટેક ઓફ માટે રન-વે પર દોડતી હતી ત્યારે આ વિમાનના એન્જિન સાથે પક્ષી અથડાતા પાયલોટે સમય સૂચકતા દાખવતા આ વિમાનમાં બેઠેલા 97 મુસાફરોનો બચાવ થયો હતો. એર ઈન્ડિયા દ્વારા મુંબઈ જવા ઈચ્છુકો માટે અમદાવાદ-જામનગરથી વ્યવસ્થા ગોઠવી અન્ય મુસાફરો માટે હોટલમાં રહેવા-જમવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. વિમાનના એન્જિન સાથે પક્ષી ટકરાતા યાંત્રિક ખામી સર્જાતા આ ખામીને દૂર કરવા આજે બપોરે મુંબઈથી ટેકનીકલ ટીમ આવી પહોંચી હતી. અને ફ્લાઈટ્લનું નિરિક્ષણ કર્યુ હતું.
આ દૂર્ઘટનાના પગલે આજે સવારની સ્પાઈસ જેટની દિલ્હી ફલાઈટ ડીલે કરવામાં આવી હતી. જ્યારે ઈન્ડિગોની દિલ્હી ફલાઈટ કેન્સલ કરવામાં આવી હતી. એરપોર્ટ થંભાવી દેવામાં આવેલી એર ઈન્ડિયાની ફલાઈટની યાંત્રિક ખામી દૂર થયા બાદ રાજકોટની હવાઈ સેવા ફરી શરૂ થશે. આજે બપોર બાદ હવાઈ સેવા પૂર્વવત થઈ હોવાનું કહેવાય છે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજકોટના એરપોર્ટ પર સવાર અને સાંજના સમયે પક્ષીઓનો જમાવડો વધુ થતો હોય છે. પક્ષીઓના જમાવડાને દૂર કરવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. (file photo)