Site icon Revoi.in

કચ્છના કૃત્રિમ ટાપુઓ પર ઘોરડો સહિત પક્ષીઓએ માળા બનાવ્યાં

Social Share

ભુજ  :  ચૈત્ર મહિનાની અસહ્ય ગરમી લોકોને જ નહીં પણ પશુ-પંખીઓને પણ અકળાવી રહી છે. જોકે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવતા અને કેટલાક વિસ્તારોમાં કમોસમી સામાન્ય વરસાદ થતા વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરી ગઈ હતી.  ચૈત્ર અને વૈશાખ મહિનો  પક્ષી-પ્રાણીસૃષ્ટિ માટે પોતાની પ્રજાને પાંગરવા માટે પ્રોત્સાહન પૂરું પાડતો હોય છે. આ બે મહિના દરમિયાન  ચકલાથી માંડી બગલા અને બીજા પક્ષીઓ માળા બનાવી બચ્ચાં ઉછેરી પોતાનો વંશવેલો વધારતા હોય છે. `કચ્છ જે કારાયલ જો કેકારવ’ પ્રેરિત બનાવાયેલા કૃત્રિમ ટાપુઓ સ્વામિનારાયણના સંતોએ દ્વિશતાબ્દી મહોત્સવ દરમિયાન મઠારી આપતાં આ ટાપુ પર વાવેલા દેશી બાવળના વૃક્ષો પાંગરીને પક્ષીઓને આશ્રય આપી શકે તેવા બનતાં અહીં સલામતી અને અનુકૂળતાને પારખીને આ દેશી બાવળના વૃક્ષોના ઝુંડમાં પેઈન્ટેડ સ્ટોર્ક રંગીન ધોકડાઓએ માળો બનાવવાની પ્રવૃત્તિ ચાલુ કરીને આ દેશી બાવળની ઘટાને જીવંત બનાવી દીધી છે.

પ્રકૃતિપ્રેમીઓએ બનાવેલા ટાપુ પર વાવેલાં કાંટાળા દેશી બાવળનાં વૃક્ષ પક્ષીઓની સલામતી અને સંસ્કરણ માટે માળો બનાવવામાં આદર્શ ઝાડ હોવાથી આખા પાંચાડામાં અહીં છતરડીવાળા તળાવને પસંદ કરીને પક્ષીઓએ માળા બનાવવાની ઘટના હજુ સુધી બની નથી. માનવીએ આપેલી કૃત્રિમ સગવડતા આ પેઈન્ટેડ સ્ટોર્કે અપનાવી લીધી છે. ભુજ આસપાસના વિસ્તારમાં નિંગાળ સિવાય ક્યાંય પણ આ પક્ષી માળા બનાવતા નોંધાયેલા નથી. એટલે આ ઘટના પક્ષીપ્રેમી અને પક્ષીઓ માટે અનુપમ છે. યોગ્ય વાતાવરણ આપવામાં આવે તો પક્ષીઓ જરૂર વિશ્વાસ કરી માનવીએ ઊભી કરેલ સગવડ અપનાવી લેવામાં વિલંબ કરતા નથી તેવું ઉદાહરણ આ પક્ષીઓએ પૂરું પાડયું છે. રંગીન ધોકડા ઉપરાંત અહીંના બીજા ત્રણ ટાપુઓ આસપાસ દૂધજિયા-ટીલાવાળા બતક – ટિટોડી અને ગજપાઉ જેવા સ્થાનિક નિવાસી પક્ષીઓનું આશ્રયસ્થાન આ કૃત્રિમ ટાપુઓ બની રહ્યા છે અને દરરોજ સવાર-સાંજના આ બતકોને ચારો નાખવા જીવદયાપ્રેમીઓ પક્ષી નિરીક્ષણ કરનાર કુતૂહલપ્રેમી બાળકો માટે એક સુંદર આનંદ કેન્દ્ર આ છતરડીનું પક્ષીકેન્દ્ર બની રહ્યું છે.