Site icon Revoi.in

કચ્છમાં શનિવારથી બે દિવસ 229 પોઈન્ટ પર પક્ષીઓની ગણતરી કરાશે

Social Share

ભૂજઃ કચ્છમાં વિદેશથી અનેક પક્ષિઓ વિહાર કરવા માટે દર વખતે આવતા હોય છે. તેમજ સ્થાનિક પક્ષીઓ પણ જોવા મળતા હોય છે. ત્યારે પક્ષીવિદો દ્વારા સતત ત્રીજા વર્ષે પેસેજ માઈગ્રન્ટ કાઉન્ટ-2024નું આયોજન કરાયું છે. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત અને બર્ડ કાઉન્ટ ઇન્ડિયા દ્વારા વનવિભાગના સહયોગથી આ આયોજન કરાયું છે. બે દિવસીય સર્વેમાં એકત્રિત કરાયેલો ડેટા ઈ-બર્ડ ઇન્ડિયામાં અપલોડ કરવામાં આવશે. તા.14મીને શનિવારથી 39 ટીમ  દ્વારા 229 પોઈન્ટ પર પક્ષીઓની ઓળખ કરીને તેની ગણતરી કરાશે.

કચ્છમાં રણ પ્રદેશ સહિત મેદાનોમાં ભરાયેલા છીંછરા પાણીમાં વિહાર કરવા માટે અનેક વિદેશી પક્ષીઓ આવે છે. પ્રવાસી પક્ષીઓ માટે કચ્છએ પ્રવેશદ્વાર છે. આગામી તાય14 અને 15મી સપ્ટેમ્બર એમ બે દિવસીય સર્વેમાં 229 પોઇન્ટ પર 39 ટીમ દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે. 500-500 મીટર બંને દિશામાં ચાલીને સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે, અને નોંધાયેલા પક્ષીઓની ઓનલાઇન પ્લેટફોર્મ ઈ-બર્ડ એપમાં અપલોડ કરવામાં આવશે.

બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાતના સૂત્રોએ જણાવ્યું હતું કે, કચ્છમાં તાજેતરમાં પડેલા  ખૂબ સારા વરસાદથી ધાર્યા કરતા સારા પરિણામો અને માહિતી મળશે, જે વાઇલ્ડલાઇફ મેનેજમેન્ટ માટે ઉપયોગી અને રસપ્રદ સાબિત થશે. આ સાથે જ દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, પશ્ચિમ બંગાળ સહીત દેશના દરેક ખૂણેથી નિરીક્ષકો જોડાશે. કચ્છના રાપરથી અબડાસા, ઉત્તર-દક્ષિણ-પૂર્વ- પશ્ચિમ સહીત વિસ્તારોમાં ગ્રીડ પ્રમાણે આ વિસ્તાર આવરી લેવામાં આવશે અને વિવિધ ટીમને જવાબદારી સુપરત કરાશે. આ ખાસ બે દિવસીય સર્વેમાં પેસેજ માઈગ્રન્ટ એટલે કે, ઋતુ પ્રવાસી પક્ષીઓમાં કાશ્મિરી ચાસ ,લાલપીઠ લટોરો, લાલપૂંછ લટોરો, મોટો પતરંગો, કૂહુ કંઠ, દિવાળી મચ્છીમાર, નાચણ તીદ્દો અને મોટો શ્વેતકંઠની નોંધ કરવામાં આવશે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, પેસેજ માઈગ્રન્ટ પક્ષીઓનો આ સર્વે થકી તેમનો પ્રવાસ રૂટ જાણી શકાશે અને કચ્છમાં કેટલા દિવસ રોકાય છે, તે ડેટા સાથે મહત્વપૂર્ણ એવા વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓમાં ઉપયોગી નીવડશે. બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝન, પૂર્વ-પશ્ચિમ અને સામાજિક વનીકરણની ટીમ આયોજનમાં સહભાગી બની રહી છે.