ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો, તાપમાનમાં ઘટાડાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં જાન્યુઆરીના આરંભ સાથે જ કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન રાજ્યમાં હાડથિજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ લોકોએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લીધો છે.
રાજ્યમાં આગામી પાંચ દિવસ ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તાપમાનમાં એક થી બે ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આ સાથે ઠંડા પવનો ફૂંકાવાની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી છે. નલીયામાં સૌથી ઓછું 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ઠંડી વધવાને પગલે સવારના સમયે અને રાતના સમયે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.
અમદાવાદમાં 13.5 ડીગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 9 ડિગ્રી, ડીસામાં 10.3 ડિગ્રી, ગાંધીનગરમાં 10.7 ડિગ્રી, ભુજમાં 10.8 ડિગ્રી, આણંદમાં 10.9 ડિગ્રી, પોરબંદરમાં 11.8, રાજકોટમાં 12.2 અને સુરતમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. દરમિયાન આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે.