અમદાવાદઃ શહેરની બી.જે. મેડિકલની કોલેજની જજર્રિત બની ગયેલી હોસ્ટેલના મામલે વિદ્યાર્થીઓ ઘણા સમયથી લડત આપી રહ્યા છે. જેમાં હોસ્પિટલના અને કોલેજના સત્તાધિશોએ ગર્લ્સ હોસ્ટેલના જર્જરીત સી બ્લોકના પાછળના ભાગે નવી બિલ્ડિંગ બનાવાની ખાતરી આપી અને અને વૈકલ્પિક વ્યવસ્થા કરાતાં તબીબી વિદ્યાર્થીઓએ રાત્રે હડતાળ પાછી ખેંચી હોવાનું બી.જે. મેડિકલના સત્તાવાળાઓએ જણાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરની બી જે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ઘણ સમયથી મુશ્કેલી અનુભવી રહ્યા હતા. હોસ્ટેલનું બિલ્ડિંગ ખૂબજ જર્જિરિત હાલતમાં છે. આ મામલે વિદ્યાર્થીઓએ અગાઉ રજુઆત કરવા થતાં સત્તાધિશોએ કોઈ પગલા ન લેતા હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની દુર્દશા મામલે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો હતો. હાઇકોર્ટ આ મામલે સુઓમોટો રિટ કરે તેવી શક્યતા હતી. એક્ટિંગ ચીફ જસ્ટિસ આર.એમ છાયા અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે બુધવારે કોર્ટની શરૂઆતમાં જ મુખ્ય સરકારી વકીલને બી. જે મેડિકલ હોસ્ટેલ મામલે સરકાર શું પગલા લઇ રહી છે? તે અંગે બપોર સુધીમાં જવાબ આપવા આદેશ કર્યો હતો. બપોર પછી મુખ્ય સરકારી વકીલ ખંડપીઠ સમક્ષ હાજર થયા હતા અને ખાતરી આપી હતી કે, સરકાર પગલા અંગે વિચારી રહી છે. કોર્ટે એવી ટકોર કરી હતી કે, વિદ્યાર્થીઓની સલામતી સાથે અમે બાંધછોડ કરીશું નહીં. એક્ટિંગ ચીફ જસ્ટિસ આર.એમ છાયા સુઓમોટો લે તે પહેલા સરકાર પાસે રિપોર્ટ માગ્યો છે. સરકારી વકીલે કોર્ટ સમક્ષ સોમવાર સુધીનો સમય માગ્યો અને રજુઆત કરી હતી કે, સરકાર ટૂંકા અને લાબાં ગાળાનાં સમય માટે બે વિકલ્પ વિચારી રહી છે. હાઇકોર્ટે એવી ટકોર કરી હતી કે, યુવાનો રસ્તા પર આવે તેવું અમે ઇચ્છતા નથી.