Site icon Revoi.in

PFIના નિશાના ઉપર BJP અને RSSના નેતા હતા, NIAની તપાસમાં ચોંકાવનારો ખુલાસો

Social Share

નવી દિલ્હીઃ સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં દેશમાં PFI સાથે જોડાયેલા અનેક સ્થળો ઉપર દરોડા પાડ્યા હતા, જેમાં 100 થી વધુ ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન PFIના રડાર પર RSS અને BJPના ઘણા મોટા નેતાઓ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં, નાગપુર ખાતેનું RSSનું મુખ્યાલય પણ PFIના નિશાના પર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર PFI દેશમાં RSS અને BJPના મોટા નેતાઓ પર હુમલો કરવા માગે છે. આ માટે પીએફઆઈના સભ્યોએ દશેરાના દિવસે આરએસએસના કાર્યક્રમની માહિતી એકઠી કરી હતી. ગયા અઠવાડિયે જ કેન્દ્રીય તપાસ એજન્સી, CRPF અને રાજ્ય ATSએ PFI સાથે સંકળાયેલા લોકો પર દેશભરના 10 રાજ્યોમાં દરોડા પાડ્યા હતા અને 100થી વધારે લોકોની ધરપકડ કરી હતી.

દરમિયાન, ઉત્તર પ્રદેશમાં સુરક્ષા એજન્સીઓએ ખુલાસો કર્યો છે કે, પીએફઆઈ ઉત્તરપ્રદેશમાં પોતાનું મજબુત નેટવર્ક ઉભુ કરવા માંગતું હતું. તેમજ સભ્યોની સંખ્યા વધારવા માટે એક ખાસ યોજના પણ શરૂ કરી છે. એજન્સીઓ અનુસાર, PFI પૈસાના આધારે હિંદુ છોકરીઓને ધર્મ બદલવા માટે લોકોને ખુલ્લી ઓફર કરે છે. આ સિવાય ધર્મ પરિવર્તન કરનારા લોકોને રોજગાર, પૈસા અને મકાન આપવાની લોભામણી લાલચ આપી હતી.

પીએફઆઈ મામલે એનઆઈએની તપાસમાં અગાઉ ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ સંસ્થા બિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હુમલો કરવા માંગતી હોવાનું સામે આવ્યું છે. એનઆઈએ સહિતની વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ સમગ્ર મામલે ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.