નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે ભાજપે 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના 6 બેઠકોના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મહેસાણામાં હરિભાઈ પટેલ, સુરેન્દ્રનગરમાં ચંદૂભાઈ છગનભાઈ શિહોરા, જૂનાગઢમાં રાજેશભાઈ ચુડાસમા, અમરેલીમાં ભરતભાઈ સુતારિયા, વડોદરામાં હેમંગ જોશી અને સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ટિકીટ આપવામાં આવી છે.
દિલ્હીમાં ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક મળી હતી, જે લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલી હતી, આ બેઠકમાં ગુજરાત સહિત દેશના અન્ય લોકસભા વિસ્તારો માટેના ઉમેદવારો પર મંથન થયુ હતુ. અને 111 ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં સુલતાનપુરથી મેનકા ગાંધી, નવીન જિંદલને કુરૂક્ષેત્રથી ટિકિટ મળી છે. હિમાચલ પ્રદેશની મંડી સીટથી અભિનેત્રી કંગના રનૌતને ટિકિટ મળી છે. તો ઉત્તર પ્રદેશમાંથી રામાયણ સીરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરૂણ ગોવિલને ટિકિટ આપવામાં આવી છે. વરૂણ ગાંધીની જગ્યાએ પાર્ટીએ જિતિન પ્રસાદને ટિકિટ આપી છે. ઝારખંડના દુમકાથી સીતા સોરેનને ટિકિટ આપી છે. સીતા સોરેન ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાભી છે અને તેમણે તાજેતરમાં ધારાસભ્ય પદ છોડી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધુ હતું. ત્યારબાદ સીતા સોરેન ભાજપમાં જોડાયા હતા ભાજપે રાજમુંદરીથી ડી પુંડેશ્વરી, મુઝફ્ફરપુરથી રાજ ભૂષણ નિષાદ, પાલટીપુત્રથી રામ કૃપાલ યાદવને ટિકિટ આપી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેની બક્સરથી ટિકિટ કાપવામાં આવી છે. બક્સરથી મિથિલેશ તિવારીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. નવાદાથી વિવેક ઠાકુરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ સીટ લોજપાના ખાતામાં હતી. આ સિવાય બિહારની બાકી સીટો પર જૂના ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે બિહારમાં ભાજપ 17 સીટો પર ચૂંટણી લડશે.
ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈને શનિવારે મોડી રાત સુધી બેઠક ચાલી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, જેપી નડ્ડા અને અન્ય CEC સભ્યોએ ભાગ લીધો હતો. રાત્રે 12.40 સુધી બેઠક ચાલી હતી.
બેઠકમાં લોકસભા ચૂંટણી અને 4 રાજ્યો આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી.