Site icon Revoi.in

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રીની પસંદગી માટે ભાજપાએ નિરીક્ષકોના નામ જાહેર કર્યા

Social Share

નવી દિલ્હીઃ રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ગત 3 ડિસેમ્બરના રોજ પાંચ રાજ્યોમાં મતગણતરી યોજાઈ હતી. જે પૈકી તેલંગાણામાં કોંગ્રેસ અને મિઝોરમમાં ઝેડપીએમના નેતાએ સીએમ પદના શપથ ગ્રહણ કર્યાં છે, જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો. આ ત્રણેય રાજ્યોમાં સીએમના ચહેરાને લઈને ભાજપમાં લાંબી ખેંચતાણ ચાલી રહી છે. જેથી સીએમ પદની પસંદગી માટે ભાજપ હાઈકમાન્ડ દ્વારા નિરીક્ષકોના નામ જાહેર કર્યાં છે. આ નિરીક્ષકો જે તે રાજ્યમાં ધારાસભ્યો સાથે ચર્ચા કરીને હાઈકમાન્ડને સીએમના ચહેરાની જાણ કરશે.

સુત્રોના જણાવ્યા અનુસાર, ભાજપે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને રાજસ્થાનના નિરીક્ષક બનાવ્યા છે. વિનોદ તાવડે અને સરોજ પાંડેને તેમના સહાયક સર્વેયર તરીકે મોકલવામાં આવ્યા છે. હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર, કે લક્ષ્મણ અને આશા લાકરાને મધ્યપ્રદેશમાં નિરીક્ષક તરીકે મોકલવામાં આવ્યા છે. ભાજપે છત્તીસગઢના સીએમ ચહેરાની પસંદગીની જવાબદારી કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનેવાલને સોંપી છે. તેમની મદદ માટે અર્જુન મુંડાને તેમની સાથે મોકલવામાં આવ્યા છે.

પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ કહ્યું, ‘ત્રણ રાજ્યોના નિરીક્ષકો નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક માટે સંબંધિત રાજ્યોનો પ્રવાસ કરશે, જ્યાં ભાવિ મુખ્ય પ્રધાનોના નામની જાહેરાત કરવામાં આવશે.તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની પસંદગી અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને પાર્ટી ત્રણેય મુખ્યમંત્રીઓની પસંદગીમાં સામાજિક, પ્રાદેશિક, શાસન અને સંગઠનાત્મક હિતોને ધ્યાનમાં રાખશે.

ત્રણેય રાજ્યોના નેતાઓ ગૃહમંત્રી અમિત શાહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટીના ટોચના નેતાઓને મળી રહ્યા છે, પરંતુ સૂત્રો તેને વધારે મહત્વ આપી રહ્યા નથી અને કહ્યું કે આવી બેઠકો નિયમિત છે. તેમણે કહ્યું, ‘ઘણા રાજ્યના નેતાઓ અમારા રાષ્ટ્રીય નેતૃત્વને મળી રહ્યા છે. ત્રણ જ મુખ્યમંત્રી હોઈ શકે છે. કોઈએ તેને વધારે મહત્વ આપવું જોઈએ નહીં. તેમણે કહ્યું કે સંભવિતોમાં એવા સાંસદોનો પણ સમાવેશ થાય છે જેમણે સંસદમાંથી રાજીનામું આપી દીધું છે અને સૌજન્ય રૂપે રાષ્ટ્રીય નેતાઓને મળી રહ્યા છે.