નવી દિલ્હીઃ NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સર્વસંમતિથી રાષ્ટ્રપતિ બનાવવા માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને JD(S)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ પીએમ એચ.ડી.દેવગૌડા સાથે વાત કરીને તેમની પાસે સમર્થન માંગ્યું હતું. એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMCના વડા મમતા બેનર્જી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવાર સાથે વાત કરી અને તેમને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમની ઉમેદવારીને સમર્થન આપવા માટે અપીલ કરી હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર મુર્મુએ પોતે ઉમેદવારી નોંધાવતા પહેલા વિપક્ષના ત્રણ અગ્રણી નેતાઓ સાથે વાત કરી હતી. સોનિયા ગાંધી, મમતા બેનર્જી અને શરદ પવારે મુર્મુને આગામી ચૂંટણી માટે શુભેચ્છા પાઠવી હતી.
દ્રૌપદી મુર્મુની ઉમેદવારી નોંધાવતી વખતે તેમની સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓ અમિત શાહ, રાજનાથ સિંહ, જે.પી. નડ્ડા, અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સહયોગી પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના નેતાઓ ઉપરાંત YSR કોંગ્રેસના વિજયસાઈ રેડ્ડી, ઓડિશાની બીજુ જનતા દળ સરકારના બે મંત્રીઓ અને તેના નેતા સસ્મિત પાત્રા, AIADMK નેતા ઓ. પનીરસેલ્વમ, થંબી દુરાઈ અને જનતા દળ (યુનાઈટેડ)ના રાજીવ રંજન સિંહ પણ હાજર હતા.
રાષ્ટ્રપતિના નામાંકન માટેના દરેક સમૂહમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી 50 પ્રસ્તાવકો અને 50 સેકન્ડર્સ હોવા જોઈએ. ચૂંટણી જીતવા પર દ્રૌપદી મુર્મુ દેશની પ્રથમ આદિવાસી અને બીજી મહિલા રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થશે. વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કાર્યકાળ 24 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.