ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે 6 મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ દ્વારા તો મહિનાઓ પહેલા જ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે તમામ વિધાનસભા દીઠ પ્રભારીઓની નિમણૂંકો કરવામાં આવી રહી છે. જેમાં વધુ 11 પ્રભારીઓની નિમણુંકો કરવામાં આવી છે. જેમાં ઘણા નવા- જુના ચહેરાઓને મહત્વની બેઠક પર જવાબદારી સોંપાઈ છે. કેટલીક મહત્વપૂર્ણ બેઠકના પ્રભારીઓ પણ બદલાયા છે.
પ્રધેશ ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે આજે વધુ 11 વિધાનસભા બેઠકના પ્રભારીઓની જાહેરાત કરી જેમાં વડગામ બેઠકના પ્રભારી તરીકે કનુભાઈ પરમાર, ઊંઝા બેઠકના પ્રભારી તરીકે ડૉ રાજુલબેન દેસાઈ, નિકોલ બેઠકના પ્રભારી તરીકે પંકજસિંહ ચૌહાણ, જમાલપુર ખાડીયા બેઠકના પ્રભારી તરીકે ગૌતમ શાહ અને સુરત ઉત્તર બેઠકના પ્રભારી તરીકે પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર ભાઈ પટેલનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, અગાઉ પ્રદેશ ભાજપે ઉત્તર બાદ મધ્યઝોનના 40 પ્રભારીની જાહેરાત કરી હતી. થોડા દિવસ પહેલા ગુજરાતના ઉત્તર ઝોનની 59 બેઠકો માટે અને પછી સૌરાષ્ટ્ર ઝોનની 48 બેઠકો માટે પ્રભારીઓની નિમણૂંક કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા મધ્ય ઝોનની 40 અને સૌરાષ્ટ ઝોન 2 ની વિધાનસભા સીટના પ્રભારીઓની નિયુક્તિ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા પ્રભારીઓમાં, આણંદમાં 7, ખેડામાં 6, મહીસાગરમાં 3, પંચમહાલમાં 5, દાહોદમાં 6, વડોદરા જિલ્લામાં 5, છોટા ઉદેપુરમાં 3 અને વડોદરા શહેરમાં 5 પ્રભારીની નિમણુંક કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્ર ઝોનમાં મોરબી અને રાજકોટ જિલ્લા માટે પણ પ્રભારીઓની જાહેરાત કરવામાં આવી હતી.