દેશની સૌથી ધનિક રાજકીય પાર્ટી બની BJP: 2020-21માં રૂ. 477 કરોડનું ભંડોળ મળ્યું
નવી દિલ્હીઃ ભારતમાં ચૂંટણીની પ્રક્રિયાને લઈને ચૂંટણીપંચ દ્વારા કેટલાક આકરા નિર્ણય બનાવવામાં આવ્યાં છે. બીજી તરફ રાજકીયપક્ષો દ્વારા પાર્ટીને ચલાવવા માટે વિવિધ સંસ્થા અને વ્યક્તિઓ પાસેથી ફંડ મેળવવામાં આવે છે. દરમિયાન નાણાકીય વર્ષ 2020-21માં ભાજપે રૂ. 477 કરોડનું ભંડોળ એકત્ર કર્યું હતું. જ્યારે કોંગ્રેસ માત્ર રૂ. 74 કરોડ એકત્ર કરવામાં સફળ રહી હતી. કોંગ્રેસને મળેલું દાન ભાજપના દાનની સરખામણીએ માત્ર 15 ટકા છે. આમ ભાજપ દેશની સૌથી ધનિક રાજકીય પાર્ટી હોવાનું જાણવા મળે છે. જ્યારે બીજા નંબર ઉપર બહુજન સમાજવાદી પાર્ટી અને ત્રીજા નંબર કોંગ્રેસનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણી પંચે બંને પક્ષો દ્વારા મળેલા દાન અંગેનો ફંડ રિપોર્ટ જાહેર કર્યો હતો. આ અહેવાલ અનુસાર, ભાજપને વિવિધ સંસ્થાઓ, ચૂંટણી ટ્રસ્ટ અને વ્યક્તિઓ પાસેથી 4,77 કરોડનું દાન મળ્યું છે. આ વર્ષે માર્ચ મહિનામાં જ ભાજપે નાણાકીય વર્ષ 2020-21માં મળેલા દાનની વિગતો ચૂંટણી પંચને સુપરત કરી હતી. બીજી તરફ કોંગ્રેસે આ રકમ રૂ. 74 કરોડ બતાવી હતી. ચૂંટણી અધિનિયમની જોગવાઈઓ અનુસાર, ચૂંટણી માટે રૂ. 20 હજારથી વધુ ખર્ચ કરવા માટે મળેલા ડોનેશનનો રિપોર્ટ ચૂંટણી પંચમાં દાખલ કરવો પડે છે. વર્ષ 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બની ત્યારથી પાર્ટીના દાનમાં ઘણો વધારો થયો છે અને તે દેશની નંબર વન પાર્ટી રહી છે. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2019-20ની વાત કરીએ તો ભાજપે તેની કુલ સંપત્તિ 4847 કરોડ રૂપિયા જાહેર કરી હતી. દેશના તમામ રાજકીય પક્ષોમાં આ સૌથી વધુ સંપત્તિ છે. તે જ સમયે, કોંગ્રેસે સમાન નાણાકીય વર્ષમાં તેની 588.16 કરોડની સંપત્તિ જાહેર કરી હતી.