ગાંધીનગર : ગુજરાતના રાજ્યસભાના સાંસદો સાથે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી એ બેઠક યોજી હતી. જેમાં ગુજરાતમાં નેશનલ હાઈવેના ચાલી રહેલા કામ અને પ્રશ્નો અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ હાજર રહ્યા હતાં. ભાજપ-કોંગ્રેસના સાંસદોએ એક સૂરે નેશનલ હાઈવેના કામ અંગે અઢળક રજૂઆતો કરી હતી જેમાં કેટલીક જગ્યાએ મંથર ગતિએ ચાલી રહેલી કામગીરી અંગે પણ રજુઆત કરવામાં આવી હતી. મોટાભાગના સાંસદોની રજુઆત હતી કે, જે તે વિસ્તારમાં નેશનલ હાઈવે પ્રોજેક્ટના કામ ખૂબ ધીમા ચાલી રહ્યા છે અને તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે.
ગુજરાતના ભાજપ અને કોંગ્રેસના રાજ્યસભાના સાંસદોએ સાગમટે મળીને ગુજરાતના રાષ્ટ્રીય ધોરી માર્ગોની જર્જરિત હાલત અને મંથરગતિએ ચાલતા કામો અંગે રજુઆતો કરી હતી.સૌથી વધુ રજુઆત ચિલોડા-હિંમતનગર-શામળાજી સુધીના નેશનલ હાઈવેના ઠપ્પ પડેલા કામ અંગે હતી. તેમજ સૌરાષ્ટ્રમાં ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેની નબળી કામગીરી અંગે પણ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને અવગત કરાયા હતા. સાંસદોએ કહ્યું કે, નેશનલ હાઈવે ના આ બંને માર્ગો પર કોન્ટ્રાક્ટરની બેદરકારી છે અને કામોમાં કોઈ પ્રગતિ દેખાતી નથી. આ બંને નેશનલ હાઈવે પર રોજના હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે અને નબળા કામના લીધે અકસ્માતોનો ભય વધ્યો છે.
ભાજપના સાંસદ નરહરિ અમીને ચિલોડા-શામળાજી સુધીના 93 કિમી રસ્તાને 6 માર્ગીય કામગીરી અંગે રજુઆત કરી હતી. આ ઉપરાંત અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર અસલાલી પાસે કટ કે અંડર બ્રિજ બનાવવાની જરૂરિયાત હોવાની રજુઆત પણ તેમણે કરી હતી. સાથે જ નેશનલ હાઈવે 8E પર વેરાવળ-કોડીનાર વચ્ચેના માર્ગ પર પણ કોઈ કામગીરી ન થઈ રહી હોવાની રજુઆત તેમણે કરી હતી. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ સૌરાષ્ટ્ર અને અમરેલીના નેશનલ હાઈવે અંગે રજુઆત કરી હતી. જેમાં ધીમા ચાલી રહેલા કામોમાં ઝડપ લાવવા અને તૂટી ગયેલા રસ્તાઓનું મેઈન્ટનન્સ એજન્સીઓ ઝડપથી કરે તે અંગે રજુઆત કરી હતી. અમરેલી જિલ્લામાંથી પસાર થતા 3 રસ્તાઓને અંગે પણ તેમણે રજુઆત કરી હતી.
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ લાંબા સમયથી ચર્ચિત ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે અંગે રજૂઆત કરી. તેમણે કહ્યું કે, આ હાઈવે પર 2 ખંડ નું કામ ચાલે છે. જ્યારે 4 ખંડમાં કામ ચાલુ જ નથી થયું. આ કામ ક્યારે પૂરું થશે તે હાલ દેખાઈ નથી રહ્યું. લાંબા સમયથી લોકોની આ રસ્તા માટે માંગ હતી, પણ તેનું કામ ખુબ જ મંથર ગતિએ ચાલુ છે અને વાહનચાલકોને પરેશાની થઈ રહી છે. આ ઉપરાંત તેમણે ભાવનગર-ધોલેરાના 4 માર્ગીય રસ્તા અંગે ફરી જમીન કપાત અંગે રજુઆત કરી હતી. હાલના હયાત માર્ગ ઉપરાંત નવા માર્ગ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે, જે સ્થાનિકો માટે માથાના દુઃખાવા સમાન છે. આ પ્રોજેક્ટમાં લોકોની હાલાકી ઘટે તે પ્રમાણે કામ થાય તે જરૂરી છે. ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટ-પોરબંદર હાઈવેના રિપેરીંગ અંગે રજુઆત કરી હતી.ભાજપ સાંસદ જુગલજી ઠાકોરે અમદાવાદ-રાધનપુર અંગેના રસ્તા અંગે રજુઆત કરી હતી.