Site icon Revoi.in

PAAS નેતા અલ્પેશ કથિરીયા અને ખોડલધામના નરેશ પટેલને પક્ષમાં લેવા ભાજપ-કોંગ્રેસની મથામણ

Social Share

સુરતઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એક વર્ષ જેટલો સમય બાકી છે.ત્યારે ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગત ચૂંટણીમાં પાટીદાર સમાજની થોડી નારાજગીને કારમે ભાજપને બેઠકો ધાર્યા કરતા ઓછી મળી હતી. એટલે આ વખતે ભાજપે ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી તરીકે પાટીદારને તાજ પહેરાવીને સમાજના આગેવાનોને પણ ભાજપમાં સમાવવાની કવાયત હાથ ધરી છે.તો બીજી બાજુ કોંગ્રેસ પણ પાટીદાર સમાજના અગ્રણીઓને ખેચવા માટે મથામણ કરી રહી છે. લેઉઆ પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામના મોભી નરેશ પટેલને પક્ષમાં સમાવવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને તેમને સમજાવવાના પ્રયાસો કરી રહ્યા છે. જોકે નરેશ પટેલ સમાજ કહેશે તે હું રાજકારણમાં આવીશ એવું કહીને ક્યા પક્ષમાં જોડાવવું તે વિચારી રહ્યા છે. બીજીબાજુ પાસના નેતા અલ્પેશ કથિરીયા પણ રાજકારણમાં આવવાનું વિચારી રહ્યા છે. અલ્પેશને પોતાના પક્ષમાં લેવા માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ મથામણ કરી રહ્યા છે. એટલે આગામી સમયમાં સમાજના મોટા માથાઓની આવન-જાવનથી રાજકીય માહોલ ગરમ બનશે તે નક્કી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતના રાજકારણમાં મોટી હલચલ થઈ રહી છે. પાસ નેતા અલ્પેશ કથિરીયા ભાજપમાં જોડાય તેવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. અલ્પેશ કથિરીયાની ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે કોંગ્રેસ પણ હરકતમાં આવી છે. વરિષ્ઠ નેતાઓના ઈશારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ અલ્પેશ કથિરીયાને મળીને પક્ષમાં જોડાવવાનું આમંત્રણ પાઠવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યો લલિત કથગરા, લલિત વસોયા, કિરીટ પટેલ, પ્રતાપ દૂધાતે અલ્પેશ કથિરીયા સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ અલ્પેશ કથિરીયા રાજકારણમાં જોડાય તે મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. આ મુદ્દે અલ્પેશ કથિરીયાએ કહ્યું કે સમાજના આગેવાનો સાથે રાજકીય મુદ્દે ચર્ચા થઈ છે. જોકે પાટીદાર આંદોલનના બાકી મુદ્દા ઉકેલાય તે સૌથી અગત્યનું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર સુરત છે. સુરત અને સૌરાષ્ટ્રના પાટીદારોમાં આંદોલનથી ઉભરેલો અલ્પેશ કથિરીયા એક લોકપ્રિય ચહેરો છે. સુરતમાં પાટીદાર અનામત આંદોલન વખતે અલ્પેશ કથિરીયાએ કમાન સંભાળી હતી. વ્યવસાયે વકીલ એવા અલ્પેશ કથિરીયા પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયા છે. અલ્પેશ કથિરીયા હાલમાં PAASના મુખ્ય કન્વીનર છે. બે વખત જેલમાં જઈ આવેલા અલ્પેશ કથિરીયાએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAPને સપોર્ટ કર્યો હતો. તેથીસુરત મનપા ચૂંટણીમાં AAPના પાટીદાર ઉમેદવારો જીત્યા હતા. અને AAP સુરતમાં મુખ્ય વિપક્ષ બન્યું હતું.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજ્યમાં અનામત આંદોલન બાદ હાર્દિક પટેલની લોકપ્રિયતા ઓછી થઈ છે. જેથી કોંગ્રેસના નેતૃત્વની નજર પાટીદાર યુવા ચહેરા અલ્પેશ કથિરીયા પર મંડાઈ છે. અલ્પેશ કથિરીયા હાલ કોઇ રાજકીય પાર્ટી સાથે જોડાયા નથી. પરંતુ લડાયક અને યુવાનોમાં જાણીતા ચહેરા અલ્પેશ કથિરીયાને પોતાની પાર્ટીમાં જોડવા ભાજપ, કોંગ્રેસ અને AAP પ્રયાસ કરી રહ્યાં છે. પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર યુવાનો સામે કરેલા બધા કેસ હજુ પરત ખેંચાયા નથી. આંદોલનમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોના પરિવારમાંથી એકને સરકારી નોકરી આપવાની માગ હજુ સ્વીકારવામાં આવી નથી. એટલે એવું કહેવાય છે. કે, ચૂંટણી પહેલા જ આ તમામ માગો સ્વીકારી લઈને અલ્પેશ કથિરીયાને વાજતે-ગાજતે ભાજપમાં સમાવવામાં આવે તેવી ચર્ચા છે.