અયોધ્યામાં ભાજપને મળ્યા નહીં રામલલાના આશિર્વાદ, આસપાસની બેઠકો પણ ગુમાવી
લખનૌ: લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપની ઉંઘ હરામ કરનારા છે. મોદી સરકાર ત્રીજી વખત કેન્દ્રમાં સત્તામાં આવતી દેખાય છે. પરંતુ પરિણામ નબળી બહુમતી આપી રહ્યા છે. જે ચૂંટણીમાં 400 પારનું સૂત્ર આપવામાં ાવ્યું, ત્યાં 272ના મેજીક નંબર સુધી ભાજપ પહોંચ્યું નથી અને એનડીએને 300 બેઠકો સુધી પહોંચવામાં પરસેવો છૂટી રહ્યો છે. આ ચૂંટણીમાં ભાજપે રામમંદિરના મુદ્દાને પણ ઘણાં જોરશોરથી ઉઠાવ્યો હતો. પાર્ટી તરફથી સતત રામનું નામ લઈને હિંદુ વોટર્સને એકજૂટ કરવાનો પ્રયત્ન કર્યો.
22 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ. તેવામાં ભાજપને વિશ્વાસ હતો કે ઉત્તર પ્રદેશમાં તેને આસાનીથી મોટી જીત મળશે. આના કારણે 80માંથી 80 બેઠકો જીતવાનો દાવો ભાજપે કર્યો હતો. પરંતુ પરિણામ સામે આવી રહ્યા છે, તેનાથી મોદી-યોગીની ચિંતા વધારી છે. સમાજવાદી પાર્ટીએ મોટા સ્તર પર યુપીમાં ગાબડાં પાડયા છે. ગત ચૂંટણીમાં ભાજપને જે બેઠકો પર મોટી જીત મળી હતી, તેવી બેઠકો પર પણ સમાજવાદી પાર્ટીએ મોટી બઢત મેળવી.
રામમંદિરનો મુદ્દો આમ તો આખા દેશ માટે મહત્વનો હતો. પરંતુ ઉત્તર પ્રદેશની દ્રષ્ટિએ કેટલીક બેઠકો પર તેનો સૌથી વધુ પ્રભાવ હતો. હવે ફૈઝાબાદ બેઠક તો તેનું કેન્દ્ર હતી જ, આ સિવાય ગોંડા, કૈસરગંજ, સુલ્તાનપુર, આંબેડકરનગર, બસ્તી બેઠક પર પણ રામમંદિરનો ઘણો મોટો પ્રભાવ હતો. આ તમામ બેઠકો ફૈઝાબાદની આસપાસ જ પડે છે. તેવામાં માનવામાં આવતું હતું કે અહીંથી ભાજપને વધુ પડકાર નહીં મળે. પરંતુ ચૂંટણી પરિણામોએ તમામને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આશ્ચર્યની વાત એ છે કે ફૈઝાબાદ બેઠક પરથી ભાજપના લલ્લૂસિંહની હાર થઈ છે. અયોધ્યાને સતત રામનગરી તરીકે સંબોધિત કરીને રામના નામે ભાજપે અહીં વોટ માંગ્યા. પરંતુ આ બેઠક પર સમાજવાદી પાર્ટીએ જીત મેળવી છે.
ફૈઝાબાદ લોકસભા બેઠક પર સમાજવાદી પાર્ટીએ આ વખતે પછાત વર્ગનું કાર્ડ ખેલ્યું અને અવદેશ પ્રસાદને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદ 5,12,946 વોટ મેળવીને ભાજપના લલ્લૂસિંહને 50,905 વોટથી હરાવવામાં સફળ રહ્યા. ભાજપના ઉમેદવાર લલ્લૂસિંહને ફૈઝાબાદ બેઠક પરથી 4,62,041 વોટ પ્રાપ્ત થયા.
માત્ર અયોધ્યા જ નહીં, તેની આસપાસની લોકસભા બેઠકો પર પણ ભાજપને સમાજવાદી પાર્ટીએ પછડાટ આપી છે. વિપક્ષી નેતાઓનું રામમંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં નહીં જવું પણ એક મોટો મુદ્દો હતો. જાણકારો માની રહ્યા હતા કે રામથી અંતર વિપક્ષને વોટોથી પણ દૂર રાખશે. પરંતુ ચૂંટણી પરિણામો જણાવી રહ્યા છે કે અયોધ્યા અને તેની આસપાસની બેઠકો પર પણ સ્થાનિક મુદ્દાઓ વધુ હાવી રહ્યા છે. રામમંદિર બનવાની ખુશી છે, પરંતુ તેમના નામ પર કોઈને વોટ આપવામાં આવે તેવી સ્થિતિ દેખાય રહી નથી.