Site icon Revoi.in

ભાજપે લોકસભાની ચૂંટણી માટે નીતિન પટેલ અને વિજય રૂપાણીને સોંપી મોટી જવાબદારી

Social Share

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે ભાજપે તૈયારીઓ ક્યારની યે શરૂ કરી દીધી છે. જેમાં ભાજપ દ્વારા આજથી દેશભરમાં જનસંપર્ક અભિયાનનો પ્રારંભ શરૂ કરાયો છે. 160 બેઠકો પર પકડ મજબૂત કરવા કેન્દ્રીય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં ઘણા જુના જોગીઓને પણ જવાબદારી સોંપવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્લીની જવાબદારી અપાઈ છે. જ્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને 5 ક્લસ્ટર અને ઉત્તરાખંડની જવાબદારી અપાઈ છે. જેઓ મોદી સરકારના કામો લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે. એક મહિના સુધી આ જનસંપર્ક અભિયાન ચાલશે.

ભાજપના સૂત્રોમાંથી મળેલી વિગતો મુજબ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 9 વર્ષ પૂરા થઈ રહ્યાં છે તે નિમિત્તે ભાજપ દ્વારા મોદી સરકારની નીતિ અને ઉપલબ્ધિઓની જાણકારી આપવા દેશભરમાં જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરાયો છે. આ જનસંપર્ક અભિયાન 30 મે થી 30 જુન સુધી ચલાવાશે. જેમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઉત્તરાખંડ તેહરી ગઢવાલ, હરિદ્વાર અને ઉત્તરપ્રદેશમાં મુઝફ્ફરનગર અને કૈરાનાની જવાબદારી સોંપાઈ છે. આ લોકસભા ક્લસ્ટરમાં પ્રવાસ કરીને તેઓ ભાજપનો પ્રચાર કરશે. તેવું સુત્રો જણાવી રહ્યાં છે.

ભાજપે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબના પ્રભારીની સાથે બે મોટી જવાબદારીઓ સોંપી છે. પાર્ટીએ તેમને 30 મેથી શરૂ થનારા ભવ્ય જનસંપર્ક અભિયાનમાં આઉટરીચ પ્રોગ્રામના સુપરવાઈઝર પણ  બનાવ્યા છે. બીજી તરફ તેમને AAPના ગઢ દિલ્હીમાં ત્રણ લોકસભા મતવિસ્તારના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. પાંચ વર્ષથી વધુ સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીને પાર્ટી દ્વારા અગાઉના પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. વિજય રૂપાણી દિલ્હીની સાતમાંથી ત્રણ લોકસભા બેઠકોના પ્રભારી હશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદી 23 જૂને વીડિયો કોન્ફરન્સ દ્વારા શ્યામાપ્રસાદ મુખરજીની પુણ્યતિથિએ 10 લાખ બૂથ પર પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. 20થી 30 જૂન દરમિયાન ડોર ટુ ડોર સંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. નવ વર્ષની સિદ્ધિઓ લોકો સાથે શેર કરવામાં આવશે અને પ્રચાર સામગ્રીનું વિતરણ કરવામાં આવશે. (file photo)