અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ આગામી વિધાનસભા ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. જેથી પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ભાજપના સંગઠનને વધારે મજબુત બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે. ભાજપના પ્રદેશ મહામંત્રીઓને વિવિધ ઝોનની જવાબદારી સોંપ્યા બાદ વિવિધ મોરચાના પ્રમુખોની ગઈકાલે જ નિમણુંક કરી હતી. હવે ભાજપના કારોબારીની જાહેરાત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ દ્વારા કારોબારીમાં 78 આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવી જ રીતે પ્રદેશ આમંત્રિતમાં 150 મહાનુભાવોને સ્થાન આપવામાં આવ્યું છે. તેમજ વિશેષ આમંત્રિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત 52 આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ કારોબારી, પ્રદેશ આમંત્રિત અને વિશેષ આમંત્રિતમાં ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ, પ્રદેશના પૂર્વ નેતાઓ, પૂર્વ મેયર, અને શહેર-જિલ્લાના આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ ભાજપ દ્વારા વિધાનસભાની ચૂંટણી અગાઉ વ્યૂહ રચનાનો પાયો નાખી દેવામાં આવ્યો છે અને વિધાનસભાની તમામ બેઠકો અંકે કરવા પ્લાનિંગ શરૂ કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટમીમાં 60 વર્ષથી વધુની ઉંમરના નેતાઓ અને 3 ટર્મ સુધી ચૂંટણી લડનારા આગેવાનોને ટિકીટ નહીં ફાળવવામાં આવતા નારાજગી સામે આવી હતી. જેથી નારાજગી ટાળવા માટે જે તે સમયે નારાજ નેતાઓને ખાતરી આપવામાં આવી હતી કે, સંગઠનમાં તેમને જવાબદારી સોંપવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હવે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સંગઠનને વધારે મજબુત કરવાની દિશામાં કામગીરી કરી રહ્યાં છે.