AAPને પંજાબમાં ભાજપે આપ્યો ડબલ આંચકો, સાંસદ સુશીલ કુમાર રિંકૂ અને એક ધારાસભ્યે કર્યા કેસરિયાં
ચંદીગઢ: ભાજપે પંજાબમાં આમ આદમી પાર્ટીને આકરો ઝાટકો આપ્યો છે. આમ આદમી પાર્ટીના જાલંધરના સાંસદ સુશીલ રિંકૂ ભાજપમાં સામેલ થયા છે. તેમના સિવાય એક ધારાસભ્ય શીતલ અંગુરાલ પણ ભાજપમાં જોડાયા છે. આ બંને નેતાઓએ દિલ્હી ખાતે ભાજપના મુખ્યમથકમાં પાર્ટીની સદસ્યતા લીધી છે. બંનેને ભાજપના મહાસચિવ વિનોદ તાવડે અને પંજાબના પાર્ટી અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીની સદસ્યતા અપાવી છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરી પણ હાજર હતા. પુરીએ કહ્યુ કે ભાજપ દુનિયાની સૌથી મોટી રાજકીય પાર્ટી છે. દરેક ક્ષેત્રમાંથી આવતા લોકો ભાજપમાં સામેલ થઈ રહ્યા છે અને પરિવારનો હિસ્સો બની રહ્યા છે. સુશીલ કુમાર રિંકૂ અને શીતલ અંગુરાલનું હું સ્વાગત કરું છું.
તેમણે કહ્યુ છે કે પંજાબમાં સ્થિતિઓ હવે બદલાય રહી છે. અમે સૌ સાથે મળીને ભારતને 2047 સુધીમાં વિકસિત દેશ બનાવવાનું કામ કરીશું. સુશીલ કુમાર રિંકૂ અને શીતલ પહેલા મંગળવારે જ લુધિયાણાથી કોંગ્રેસના સાંસદ રવનીતસિંહ બિટ્ટૂ ભાજપમાં જોડાયા હતા. તેમના દાદા બેઅંતસિંહ પંજાબના મુખ્યમંત્રી હતા અને તેમની ઉગ્રવાદીઓએ હત્યા કરી હતી.
રવનીતસિંહ બિટ્ટૂનો પણ જનાધાર રહેલો છે અને તેઓ ખાલિસ્તાનની વિરુદ્ધ મુખર ચહેરાઓમાંથી એક રહ્યા છે. તેમના પાર્ટીમાં આવવાથી પંજાબમાં ભાજપને મટી શક્તિ મળી હોવાનું માનવામાં આવે છે. ભાજપમાં અંદરખાન ચર્ચા ચાલી રહી છે કે રવનીતસિંહ બિટ્ટૂને લુધિયાણાથી ટિકિટ મળવાની શક્યતા છે. આ સિવાય સુશીલ કુમાર રિંકૂ પણ હવે ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. પંજાબમાં ભાજપ આ વખતે એકલા હાથે જ લોકસભા ચૂંટણીમાં ઉતરી રહ્યું છે. તેનું અકાલીદળ સાથે ગઠબંધન થઈ શક્યું નથી. હવે પંજાબમાં ચતુષ્કોણીય મુકાબલાની સ્થિતિ હશે. તેનું કારણ એ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં પણ પંજાબમાં ગઠબંધન થઈ શક્યું નથી, જ્યારે બંને પક્ષો ઈન્ડિયા એલાયન્સનો ભાગ છે.