અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે ભાજપ કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટીએ પણ પ્રચાર અભિયાન તેજ બનાવ્યું છે. AAPના સુપ્રીમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં પ્રવાસ વધારી દીધા છે. રવિવારે કેજરીવાલ ફરી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ભરૂચ ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં લોકોને સંબોધિત કરતા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશના સૌથી બે અમીર વ્યક્તિ ગુજરાતના છે અને સૌથી ગરીબ આદિવાસીઓ પણ ગુજરાતમાં છે. ડાંગ, છોટાઉદેપુર, અરવલ્લી સહિત અનેક જિલ્લાઓ છે જ્યાં ગરીબ લોકો છે. એક તરફ ભાજપ અને કોંગ્રેસ પાર્ટી અમીરોની સાથે ઉભી છે અને તેમને વધુ પૈસાદાર બનાવી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી ગરીબોની સાથે ઉભી છે. ગુજરાતની ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે. અને પેપર લિક વિના એકપણ પરીક્ષા પૂર્ણ થતી નથી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ વિધાનસભાની ચૂંટણી માટે છોટુ વાસાવાની બીટીપી સાથે જોડાણ કર્યું છે. અને ભરૂચમાં આદિવાસી સંકલ્પ મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં કેજરીવાલે જણાવ્યું હતું કે, ‘દિલ્હીના લોકો મને બહુ પ્રેમ કરે છે અને આજે હું ગુજરાતના લોકો પાસે પ્રેમ માંગવા આવ્યો છું. મેં સાંભળ્યું છે કે ગજરાતના લોકો દિલથી કામ કરે છે અને તેઓ બહુ જ ઈમોશનલ હોય છે. તેઓ એક વખત કોઈનાથી પ્રેમ કરે તો જીવનભર નિભાવે છે. કેજરીવાલ પણ દિલથી કામ કરે છે અને ઈમોશનલ છે. આજે હું ગુજરાતના સાડા છ કરોડ લોકો સાથે દિલથી દિલનો સંબંધ બનાવવા આવ્યો છે. ગુજરાતમાં 27 વર્ષથી શાસન કરી રહેલી ભાજપ સરકારે સ્કૂલોની હાલત ખરાબ કરી નાખી છે, તમે હજી બીજા પાંચ વર્ષે પણ એમની સરકારને આપશો તો પણ તેઓ કશું કરશે નહીં. ભાજપે માત્ર લૂંટવાનું જ કામ કરવું છે. અમારી સરકારને એક ચાન્સ આપો. જો ગુજરાતની સરકારી શાળાઓમાં પરિવર્તન ન આવે તો અમને લાત મારીને ભગાડી દેજો. મને ગંદુ પોલિટિક્સ, ચોરી અને ભ્રષ્ટાચાર કરતા નથી આવડતું, મને માત્ર કામ કરતા આવડે છે. લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે, ગુજરાતની સરકારી સ્કૂલોની હાલત ખૂબ જ ખરાબ છે. લાખો બાળકોનું ભવિષ્ય જોખમમાં છે પંરતુ દિલ્હીની જેમ ગુજરાત પણ બદલી શકે છે. દિલ્હીમાં જજ, અધિકારી અને રિક્ષાવાળાના બાળકો એક જ બેન્ચ પર બેસીને ભણે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારોની હાલત કફોડી છે. પેપર લીક મામલે મુખ્યમંત્રી પટેલને ખુલ્લો પડકાર આપુ છું. હું ભૂપેન્દ્ર પટેલ અને પાટિલને ચેલેન્જ આપું છું કે, પેપર લીક કર્યા વિના એક પણ સરકારી ભરતી કે પરીક્ષા પૂર્ણ કરી બતાવો. પેપર લીક કરવા મામલે ભાજપ સરકારે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. દુનિયાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ભાજપ સરકારે પેપરલીક અને વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. કેજરીવાલે 2016થી રાજ્યમાં કેટલા પેપર લીક થયાં તેની વિગતો આપતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.