Site icon Revoi.in

ભાજપની સરકાર રાજસ્થાનમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં કેમ નહીં ?, કોંગ્રેસ

Social Share

અમદાવાદઃ રાજસ્થાનમાં ભાજપની સરકાર સત્તાસ્થાને આવતા જ ગેસના સિલિન્ડરના ભાવ ઘટાડીને રૂપિયા 450 કરી દીધા છે.જ્યારે ગુજરાતમાં ભાજપની જ સરકાર 25થી વધુ વર્ષથી શાસનમાં હોવા છતાંયે ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરતી નથી, તે ગુજરાતની પ્રજાને અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે. તેમ પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને જુદા જુદા વાયદા કરનારી ભાજપ સરકાર ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી સત્તા સ્થાને હોવા છતાં પ્રજાને અન્યાય કરી રહી છે. રાજસ્થાનમાં નવા વર્ષની ભેટ તરીકે 450 રૂ. ના એલ.પી.જી. ગેસ સિલિન્ડરની જાહેરાતો કરવામાં આવી છે. બીજી બાજુ, ગુજરાતમાં 25 વર્ષથી સત્તા સ્થાને બેઠેલી ભાજપા ગુજરાતના લાખો પરિવારોને મોંઘવારીમાં રાહત આપવાનું વિચારતી નથી. ગુજરાતના 61,35, 487 ગેસ કલેક્શન ધારકોને મોંઘા ગેસ સીલીન્ડર ખરીદવા મજબુર કરી રહી છે. બેફામ મોંઘવારીમાં પીસાતી ગુજરાતની જનતાને ભાજપા સરકાર ક્યારે ન્યાય આપશે ?

તેમણે ઉમેર્યું હતું કે, પેટ્રોલ-ડીઝલ-ગેસ સહિત ખાદ્ય ચીજવસ્તુઓના સતત વધતા જતા ભાવના કારણે ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગને જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે. ભાજપા સરકાર સત્તા મેળવવા માટે રાજસ્થાનમાં 450 રૂ. ગેસ સીલીન્ડર આપી શકતી હોય તો ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી સત્તામાં રહેલી ભાજપા ગુજરાતના નાગરિકોને કેમ અન્યાય કરી રહી છે ?

તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં ઉજવલા યોજના હેઠળ 40 લાખ ગેસ કનેક્શનમાંથી 35 ટકા એટલે કે 14 લાખ જેટલા ઉજવલા ગેસ કનેક્શન ધારકો પુનઃ ગેસ સીલીન્ડર ભરાવી શકતા નથી. ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની સંખ્યામાં સતત વધારો થતો જાય છે, સરકારના આંકડા મુજબ ગુજરાતમાં 54 ટકા કરતા વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહ્યાં છે, અને બિનસરકારી આંકડો તેનાથી પણ વધુ છે. આવક સતત ઘટતી જાય છે. મોંઘવારીના માર વચ્ચે ખર્ચા સતત વધતા જાય છે ત્યારે, ગુજરાતના નાગરિકો ખાસ કરીને ગુજરાતની મહિલાઓ ભાજપાના અહંકારી શાસકોને પ્રશ્ન પુછી રહી છે કે ગુજરાતની મહિલાઓને ક્યારે મોંઘવારી રાહત મળશે ? ક્યારે 450 રૂ. ગેસ સીલીન્ડર મળશે ?