રોહતકઃ હરિયાણામાં ભાજપની સરકાર સામે સંકટ ઊભુ થયું છે. ભાજપ સાથે જેજેપીનું ગઠબંધન તૂટ્યા બાદ ભાજપની સરકારને સમર્થન આપનારા ત્રણ અપક્ષ ધારાસભ્યોએ ટેકો પાછો ખેચીને કોંગ્રેસને સમર્થન આપ્યું છે. સમર્થન કરનારા અપક્ષ ધારાસભ્યોમાં પુંડરીના ધારાસભ્ય રણધીર ગોલન, નીલોખેરીના ધારાસભ્ય ધર્મપાલ ગોંદર અને ચરખી દાદરીના ધારાસભ્ય સોમવીર સાંગવાનનો સમાવેશ થાય છે. રોહતકમાં પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાની હાજરીમાં ત્રણેય અપક્ષોએ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું હતુ. આ ઉપરાંત બાદશાહપુરના રાકેશ દૌલતાબાદ પણ કોંગ્રેસને સમર્થન આપે તેવી ચર્ચા છે.
હરિયાણામાં ભાજપની સરકારને ટેકો આપનારા ત્રણ અપક્ષ ધારાસભ્યો સમર્થન પાછું ખેંચતા ભાજપના સરકાર મુશ્કેલીમાં મુકાઈ છે. અપક્ષ ધારાસભ્યો ઘણા સમયથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા હતા.જેમાં રણજીત ચૌટાલા સિવાય, આમાંથી કોઈ પણ અપક્ષ ધારાસભ્યને કેબિનેટ વિસ્તરણ દરમિયાન કેબિનેટમાં સ્થાન મળ્યું નથી. ત્યારથી ચારેય ધારાસભ્યો નારાજ હતા. હવે 90 ધારાસભ્યોવાળી હરિયાણા વિધાનસભામાં ભાજપ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. હાલમાં અહીં 88 ધારાસભ્યો છે. જેમાંથી ભાજપ પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે. વિપક્ષમાં 45 ધારાસભ્યો છે.
અપક્ષ ધારાસભ્યોના આ નિર્ણયથી હરિયાણાનું રાજકારણ ગરમાયું છે. પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડાએ માગ કરી હતી કે હરિયાણાની ભાજપ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. તેથી સીએમ નાયબ સૈનીએ રાજીનામું આપીને વિધાનસભા ચૂંટણી કરાવવી જોઈએ. જેજેપી હવે હરિયાણા સરકારને સમર્થન નથી કરતી, સરકારને સમર્થન આપનારા અપક્ષ ધારાસભ્યો પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે, તેથી સરકાર હવે બહુમતીના આંકડાથી દૂર છે.
ભાજપ સરકારને 6 અપક્ષ અને હાલોપાના ધારાસભ્ય ગોપાલ કાંડાનું સમર્થન છે. 6 અપક્ષમાંથી રણજીત ચૌટાલાએ પણ રાજીનામું આપી દીધું છે. તેઓ ભાજપમાં જોડાયા છે અને હિસારથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. આ સંદર્ભમાં, ભાજપ પાસે 45 ધારાસભ્યો છે. જેમાંથી 3 અપક્ષ ધારાસભ્યો નીકળી ગયા છે. જે બાદ ભાજપ પાસે 42 ધારાસભ્યો બચ્યા હતા. તેમની સામે કોંગ્રેસના 30, જેજેપીના 10 અને આઈએનએલડીના એક ધારાસભ્ય છે.