- કારકિર્દી ઈ-બુકનું વિમોચન
- વિસ્તરતી ક્ષિતિજ ધો-10 પછી શું ?
અમદાવાદઃ કોંગ્રેસમાં “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમીત ચાવડાએ જણાવ્યુ હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના કપરા સમયમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પડી રહેલી મુશ્કેલીઓથી આપણે સૌ કોઈ ચિંતિત છીએ. ગુજરાતનાં વિધાર્થી-વિધાર્થીની પોતાના ભવિષ્ય માટે આગળ વધી રહ્યા હોય ત્યારે કોરોનાના કપરા સમયમાં પણ યોગ્ય, સચોટ માર્ગદર્શન મળી રહે તે માટે કોંગ્રેસ પક્ષ દ્વારા શિક્ષણસેવાનાં ભાગરૂપે કારકિર્દી માર્ગદર્શન પુસ્તક “વિસ્તરતી ક્ષિતિજ” વાલી-વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે. અને કારકિર્દી પસંદ કરવા ઉપયોગી સાબિત થશે. કોરોના મહામારીમાં વિદ્યાર્થી – વાલીઓને રાહત મળે તે માટે સત્ર ફી માફીની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે. ગુજરાતનાં વિધાર્થી-વિધાર્થીનીઓને સચોટ અને સરળ માર્ગદર્શન માટે “વિસ્તરતી ક્ષિતિજ” પુસ્તક દ્વારા કારકિર્દી ઘડવામાં મદદરૂપ થવાનો ગુજરાત પ્રદેશ કોîગ્રેસ સમિતિનો આ સંનિષ્ઠ પ્રયાસ છે.
આ પ્રસંગ્રે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ઉજ્જવળ કારકિર્દી અને સફળ જીવન માટે ધોરણ-૧૦ પછી યોગ્ય અભ્યાસક્રમની પસંદગી મહત્વની બની જાય છે. ગુજરાતનાં તમામ વિદ્યાર્થી મિત્રોને સરળ અને સચોટ માર્ગદર્શન માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંનિષ્ઠ આગેવાન અને મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશી (એન્જિનિયર) અને તેમના સહયોગીઓ દ્વારા માર્ગદર્શક પુસ્તક “વિસ્તરતી ક્ષિતિજ” પ્રસિદ્ધ કરવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે. શિક્ષણના વ્યાપારીકરણમાં વ્યસ્ત અને મસ્ત રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ પ્રત્યે ગંભીર બેદરકારી દાખવી રહી છે. ભાજપ સરકાર શિક્ષણક્ષેત્રે દિશા વિહીન છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ઉચ્ચશિક્ષણ મેળવવા માંગતા સામાન્ય-મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ,લોનની સુવિધા યુપીએ સરકાર દ્વારા કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ગુણવત્તા ધરાવતા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની રકમમાં વધારો કરીને પીઠબળ પૂરું પાડવું જાઈએ તેને બદલે સરકાર શિક્ષણ માટેના નાણાં ઉત્સવો પાછળ વેડફી રહી છે, જેથી ગુજરાતના વિદ્યાર્થીઓ સારી શૈક્ષણિક સુવિધાઓ મેળવવાથી વંચિત રહી જાય છે.
કારકિર્દી માર્ગદર્શન પુસ્તકના સંપાદક ડૉ. મનિષ દોશી (એન્જીનીયર) એ જણાવ્યું હતું કે, ધોરણ-૧૦ પછી અભ્યાસક્રમોની અનેક તકો ઉપલબ્ધ છે. આર્ટસ, કોમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની તકો, સાંપ્રત સમયના નવીન અભ્યાસક્રમો સહીત આગળ વધવા શું કરી શકાય તેવી માહિતી સભર, સચોટ, સરળ માર્ગદર્શક પુસ્તક “વિસ્તરતી ક્ષિતિજ” વિધાર્થી-વિધાર્થીનીઓને ઉતમ જીવન નિર્માણનો સાથીદાર બની રહેશે. સમયસર માર્ગદર્શન મળી રહે તેવા વ્યવસ્થા તંત્ર અતિ આવશ્યક છે. કમનસીબે રાજ્ય સરકાર આ પ્રકારની વ્યવસ્થામાં ઊણી ઉતરી છે જે ચિંતાનો વિષય છે. આઈ.ટી.આઈ. સહિત દેશમાં રેગ્યુલર અભ્યાસક્રમ ન કરી શકે તેવા વિદ્યાર્થીઓ માટે એક્સ્ટર્નલ અભ્યાસક્રમ આપતી માન્ય સંસ્થાઓની સાથોસાથ ઈન્દીરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (ઈગ્નુ) અને ડૉ. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ની વિગત પણ આપવામાં આવી છે. “વિસ્તરતી ક્ષિતિજ” ધોરણ ૧૦ પછી શું? કારકિર્દી માર્ગદર્શન ઈ-બુક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વેબસાઈટ www.incgujarat.com અને www.careerpath.info ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.