નવી દિલ્હીઃ છત્તીસગઢમાં EDની કાર્યવાહી વચ્ચે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્ર સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ભાજપ સીધી રીતે લડી શકવા સક્ષમ નથી, તેથી ED અને IT દ્વારા લડવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ ફરી આવશે. આ છેલ્લું નથી. ચૂંટણી નજીક આવશે તેમ તેમના પ્રવાસ વધશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ધાકધમકી સિવાય કોઈ કામ નથી, પરંતુ જનતા જાણી ગઈ છે. કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, કમલનાથ અને મને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ તરફથી મુલાયમ સિંહ યાદવજીની અંતિમ યાત્રામાં હાજરી આપવા માટે સૂચનાઓ મળી હતી. છત્તીસગઢના અનેક શહેરોમાં આજે સવારે ફરી એકવાર EDએ દરોડા પાડ્યા છે. તેમાં દુર્ગમાં મુખ્યમંત્રી બઘેલના OSD સૌમ્ય ચૌરસિયા અને રાયગઢના કલેક્ટર રાનુ સાહુનું પણ નામ છે. આ સિવાય રાયપુરમાં કોલ કોરાબારી સૂર્યકાંત તિવારી, મહાસમુંદમાં તેમના સસરા અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અગ્નિ ચંદ્રાકર, માઈનિંગ હેડ આઈએએસ જેપી મૌર્ય, નવનીત તિવારી, ગાંજા ચોકના રહેવાસીના સ્થળો પર ઈડીની કાર્યવાહી ચાલી રહી છે. રાયગઢમાં, પ્રિન્સ ભાટિયા અને સીએ સુનીલ અગ્રવાલને ત્યાં પણ તપાસ કરાઈ હતી.