Site icon Revoi.in

ભાજપની સરકાર તમામ સમાજના વિકાસ માટે કર્તવ્યરત રહેશેઃ CM ભૂપેન્દ્ર પટેલ

Social Share

મહેસાણાઃ  જિલ્લાના વિસનગર તાલુકાના તરભ મુકામે આવેલા વાળીનાથ મહાદેવના મંદિર ખાતે ગુજરાત રબારી સમાજ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની રજતતુલા કરવામાં આવી હતી. પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર. પાટિલની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ તથા મોવડીમંડળે અમારા પર ભરોસો મૂકી નવી ટીમ ગુજરાત બનાવી છે ત્યારે સૌ સમાજોના વિકાસ માટે સરકાર કર્તવ્યરત રહેશે.તેમણે રબારી સમાજને સંબોધન કરતાં કહ્યું કે, રબારી સમાજ ખૂબ જ બુદ્ધિશાળી સમાજ છે. આ સમાજ સમજણ સાથે સમાધાનને રસ્તે ચાલે છે એટલે જ આટલી સારી પ્રગતિ કરી શક્યો છે.

મુખ્યમંત્રીએ તેમની રજતતુલા કરવામાં આવી છે તેની ચાંદી આ સમાજના યુવાનોના ઉચ્ચશિક્ષણ કાર્યો અને વાળીનાથ મંદિરના વિકાસ માટે વપરાય તેવો અનુરોધ કર્યો હતો, તેમણે કહ્યું કે રબારી સમાજના પ્રેમનો સદાય હું ઋણી રહીશ. પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યુ કે, ખૂબ જ સરળ સ્વભાવના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં સૌ સમાજના વિકાસ માટે રાજય સરકાર કટિબધ્ધ છે.

તેમણે કહ્યું કે રબારી સમાજ સમગ્ર દેશમાં ફેલાયેલો છે. સમયની સાથે રબારી સમાજ સામાજિક અને આર્થિક રીતે સદ્ધર બની રહ્યો છે. તેમણે ઉમેર્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રબારી સમાજની દીકરી ડો. રાજુલબેન દેસાઈને રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યની જવાબદારી સોંપી છે. રબારી સમાજ શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે સર્વ સમાજને સાથે રાખી ગુજરાતને આગળ વધારવા આપણે સૌ કટિબદ્ધ બનીએ. તરભ વાળીનાથ મંદિરના મહંતશ્રી જયરામગીરી બાપુએ આશીર્વચન પાઠવતા જણાવ્યું કે પૂજ્ય ગુરુજીના આશીર્વાદથી સમાજ શૈક્ષણિક રીતે આગળ વધી રહ્યો છે.

આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મહારાષ્ટ્ર વિધાન પરિષદના વિપક્ષ નેતા પ્રવીણ કેળકરજી, સ્વામી દશરથગીરી બાપુ, પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારી, પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ દેસાઈ, રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય  ડો. રાજુલબેન દેસાઈ સહિત રબારી સમાજના આગેવાનો અને વિશાળ સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.