- જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં સંબોધિ ચૂંટણી રેલી
- કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ ઉપર કર્યાં પ્રહાર
- રાજ્યમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
જમ્મુઃ જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024 માટે પ્રચાર ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં રાજકારણીઓ એકબીજા પર પ્રહારો કરીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યના કિશ્તવાડમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે વિરોધ પક્ષો પર આકરા પ્રહાર કર્યાં હતા.
જાહેર સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ પર “તેમના પરિવારની સરકાર” બનાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં સત્તામાં આવી શકતા નથી. ઓમર અબ્દુલ્લા અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, રાજ્યમાં ફરી એકવાર આતંકવાદ વધારવાના પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ ભાજપ સરકાર તેને જમીનમાં દાટી દેશે.
આતંકવાદના મુદ્દે ભાજપના દિગ્ગજ નેતાએ કહ્યું કે, કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરને ફરીથી આતંકવાદ તરફ ધકેલવા માંગે છે. અમે આતંકવાદને એ સ્તરે દફનાવી દેવાનો સંકલ્પ કર્યો છે કે તે ફરી પાછો ન આવી શકે.” આ સિવાય અમિત શાહે કહ્યું કે તેઓ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીનો માહોલ જોઈ રહ્યા છે. તેમના કહેવા પ્રમાણે, ન તો અબ્દુલ્લાની સરકાર બની રહી છે કે ન તો રાહુલ ગાંધીની સરકાર. તેમણે દાવો કર્યો કે આ વખતે ઘાટીમાં ભાજપના નેતૃત્વમાં સરકાર બનશે.