Site icon Revoi.in

ભાજપ ધર્મને નામે રાજનીતિ કરી રહી છે, દેશની સમસ્યા વિશે PM વાત કરતા જ નથીઃ અશોક ગેહલોત

Social Share

અમદાવાદઃ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતજીએ જણાવ્યું હતું કે, દેશમાં લોકસભાની ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા  છે ત્યારે વડાપ્રધાનને સાચી પરિસ્થિતિની ખબર પડી ગઈ છે. જેના કારણે મુદ્દા પર વાત કરવાની જગ્યાએ નિમ્ન કક્ષાની અને બેતુકી વાતો કરે છે. દેશના લોકોની સમસ્યાઓ, મુશ્કેલીઓ અને અપેક્ષાઓને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષના મેનીફેસ્ટ્રો ‘ન્યાયપત્ર’ બનાવવામાં આવ્યું છે. જેમાં પાંચ ન્યાય 25 ગેરન્ટી આપી છે. પરંતુ ભાજપ ન્યાયપત્ર અંગે જુઠ્ઠાણું ફેલાવી રહી છે. કોંગ્રેસપક્ષ પડકાર આપે છે કે ભાજપમાં હિંમત હોય તો કોંગ્રેસના ન્યાય પત્ર અને ભાજપના મેનીફેસ્ટ્રોના મુદ્દા આધારીત ચર્ચા કરે. ભાજપ લોકશાહીને ખતમ કરવા સતત પ્રયાસ કરી રહી છે.

ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે, દુનિયાભરના દેશો ભારતની લોકશાહી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.આજે દેશમાં ક્યાંક લોકશાહી ખતરામાં છે. તો ક્યાંક બંધારણ બદલવાની વાત ભાજપના નેતાઓ કરી રહ્યાં છે. દેશમાં બે રાજ્યના ચૂંટાયેલા મુખ્યમંત્રી જેલમાં જોવા મળી રહ્યાં છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે, યુવાનોને રોજગારી નથી, તેવા સંજોગોમાં વડાપ્રધાન આ મુદ્દાઓ પર વાત કરવાની જગ્યાએ જમીન અને ભેસ, મંગળસુત્ર, પાકિસ્તાનની વાતો કરે છે. આ પ્રકારની ભાષા કોઈ વડાપ્રધાનની હોઈ શકે નહી. 10 વર્ષનો ભાજપ સરકારનો હિસાબ આપવાને બદલે ભાજપ લોકોને ભ્રમિત કરી રહી છે. 60 વર્ષમાં દેશનું દેવુ  55 લાખ કરોડ હતું જ્યારે 2014 થી 2024 સુધી એટલે કે, 10 વર્ષમાં મોદી સરકારે 205 લાખ કરોડ જેટલુ અધધ દેવુ કરી દેશના નાગરિકો દેવાના ડુંગરમાં ધકેલી દીધા છે. વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતો માટે એમ.એસ.પી.ની માંગ કરતા હતા પરંતુ આજે 10 વર્ષ વડાપ્રધાન પદે રહ્યા હોવા છતાં ખેડૂતોને એમ.એસ.પી. મળતી નથી. આ બધી ગેરંટીનું શું થયું જે તમે મુખ્યમંત્રી હતા ત્યારે આપી હતી.  કાળુ ધન પાછુ લાવીશું, બે કરોડ રોજગાર, ખેડૂતની આવત બમણી, સહિતની ગેરંટીઓનું શું થયું ? તેનો જવાબ વડાપ્રધાને આપવો જાઈએ.

તેમણે ઉમેર્યું હતું કે, ભાજપ ધર્મના નામે રાજનીતિ કરી રહી છે. જેમ જેમ ચૂંટણીના તબક્કાઓ આગળ વધી રહ્યાં છે તેમ તેમ મોદીજીની હડબડાહટ સ્પષ્ટ દેખાય છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરવાની જગ્યાએ ભેસ કેમ યાદ આવે છે ? તેની પાછળનું કારણ શું ? વડાપ્રધાન જે ભાષાનો ઉપયોગ કરે છે એનાથી લોકોમાં ખૂબ આક્રોશ છે. દેશની મુખ્ય સમસ્યા અંગે વડાપ્રધાન વાત જ નથી કરી રહ્યા.