ઉત્તરપ્રદેશમાં BJPએ ડોર ડુ ડોર પ્રચારનો કર્યો પ્રારંભ, કાર્યકરો 1.74 લાખ બુથના તમામ ઘરે જશે
લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેર બાદ ભાજપ એલર્ટ મોડ ઉપર આવી ગયું છે. કોરોનાને પગલે રેલિઓ અનેસભાઓ ઉપર પ્રતિબંધ છે. જો કે, ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મતદારોના ઘરે-ઘરે પહોંચવાના અભિયાનનો પ્રારંભ કર્યો છે. ઘર-ઘર દસ્તક જનસંપર્ક અભિયાન હેઠળ ભાજપ તમામ 403 વિધાનસભા બેઠકો ઉપર ઘરે-ઘરે જઈને રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરશે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહએ ઘરે-ઘરે જઈને ભાજપના દસ્તક અભિયાનની શરૂઆત કરી છે. લખનૌમાં બાલુ અડ્ડા પહોંચીને તેમણે ભાજપના સ્ટીકર ઘરો ઉપર લગાવ્યાં હતા. આ ઉપરાંત ભાજપ દ્વારા ગરીબો અને પ્રજા માટે કરવામાં આવેલા કામના પત્રમો પણ વહેંચ્યાં હતા. ભાજપના કાર્યકરો 1.74 લાખ બુથના તમામ ઘરે જશે. આમ ઉત્તરપ્રદેશ સરકારના કાર્યો લોકો સુધી પહોંચાડવામાં આવશે. કોરોના પ્રોટોકોલ હેઠળ પાંચ કાર્યકરોની ટીમ જનસંપર્ક માટે જશે. કાર્યકરોને માસ્ક અને સેનેટાઈઝર પણ આપવામાં આવ્યાં છે. જેથી તેઓ પણ કોરોનાથી સલામત રહી શકે.
ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની 403 બેઠકો ઉપર સાત તબક્કામાં મતદાન યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને સપા વચ્ચે ખરાખરીનો જંગ જામવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. હાલ ભાજપમાં ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. ભાજપાએ ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 300થી વધારે બેઠકો ઉપર વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બીજી તરફ સીએમ યોગી વિધાનસભાની ચૂંટણી લડશે તો કંઈ બેઠક ઉપર ઉમેદવારી નોંધાવશે તેને લઈને લોકોમાં તરેહ-તરેહની અટકળો ચાલી રહી છે.