નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિએ ભારત રત્ન આપવાની માંગ કરતા ભાજપના સાંસદ: પીએમ મોદીને લખ્યો પત્ર
- નેતાજીની 125 મી જન્મજયંતિ કરાશે ઉજવણી
- ભાજપના સાંસદે પીએમ મોદીને લખ્યો પત્ર
- નેતાજીને ‘ભારત રત્ન’ એવોર્ડ આપવાની કરી માંગ
નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના નેતા અનિલ ફિરોઝિયાએ તેમના માટે ‘ભારત રત્ન’ ની માંગ કરી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાની આલોટ લોકસભા બેઠકના સાંસદ અનિલ ફિરોઝિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને નેતા સુભાષચંદ્ર બોઝને ‘ભારત રત્ન’ એવોર્ડ આપવાની માંગ કરી છે.
આ પહેલા તૃણમૂલ કોંગ્રેસના સાંસદ સુખેંદુ શેખરે પીએમ મોદીને પત્ર લખીને રક્ષા મંત્રાલયના ઇતિહાસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલ ડ્રાફટ ‘એ હિસ્ટ્રી ઓફ ઈન્ડિયન નેશનલ આર્મી 1943-45’ને પ્રકાશિત અને ‘નેતાજી ફાઇલ્સ’ને ડિસ્ક્લાસિફાઈ કરવાની માંગ કરવામાં આવી હતી.
પીએમ મોદી કોલકાતાના વિક્ટોરિયા હોલમાં આયોજિત નેતાજીની 125મી જન્મજયંતિ ઉજવણીના મુખ્ય કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે. કેન્દ્ર સરકારે દર વર્ષે 23 જાન્યુઆરીને સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ ‘પરાક્રમ દીવસ’તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં થયો હતો અને બ્રિટિશ શાસન સામે ભારતની સ્વતંત્રતા ચળવળમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી હતી. 18 ઓગસ્ટ 1945ના રોજ તાઇપેમાં એક વિમાન દુર્ઘટનામાં બોઝનું મોત વિવાદિત છે. પરંતુ કેન્દ્ર સરકારે વર્ષ 2017માં એક આરટીઆઈમાં પુષ્ટિ આપી હતી કે, આ ઘટનામાં તેનું મોત નીપજ્યું હતું.
-દેવાંશી