મુંબઈઃ NCP નેતા બાબા સિદ્દીકીની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મુંબઈ પોલીસે આ ઘટનામાં ત્રણ શૂટરોની ધરપકડ કરી છે. બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. આ પછી સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. એવામાં ભાજપ નેતા હરનાથ સિંહ યાદવની પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં તેમણે સલમાન ખાનને માફી માંગવાની સલાહ આપી છે.
બાબા સિદ્દીકીની હત્યા બાદ ભાજપ નેતા હરનાથ સિંહ યાદવે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે સલમાનને ટેગ કરીને લખ્યું હતું કે, ‘પ્રિય સલમાન ખાન, જે કાળા હરણને બિશ્નોઈ સમાજ દેવતા તરીકે પૂજે છે, તમે તેનો શિકાર કરીને ખાઈ ગયા, જેના કારણે બિશ્નોઈ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચી છે. બિશ્નોઈ સમાજમાં તમારા પ્રત્યે ગુસ્સો છે. વ્યક્તિથી ભૂલ થાય, તમે મોટા એક્ટર છો, મોટી સંખ્યામાં દેશમાં લોકો તમને પ્રેમ કરે છે. મારી તમને સલાહ છે કે તમે બિશ્નોઈ સમુદાયની ભાવનાઓનું સન્માન કરો અને તમારી ભૂલ માટે બિશ્નોઈ સમુદાયની માફી માગો.
- બિશ્નોઈ ગેંગ સલમાનખાન પાછળ કેમ પડી છે?
1998માં જોધપુરમાં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ દરમિયાન સલમાન ખાને તેના કો-સ્ટાર્સ સાથે મળીને કાળા હરણનો શિકાર કર્યો હતો. આ કેસમાં પહેલીવાર સલમાન ખાનની 12 ઓક્ટોબર 1998ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ 17 ઓક્ટોબર 1998ના રોજ જોધપુર જેલમાંથી જામીન પર મુક્ત થયા હતા.
5 એપ્રિલ, 2018 ના રોજ, અભિનેતાને કાળા હરણ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને 5 વર્ષની જેલની સજા પણ કરવામાં આવી હતી. આ પછી, 7 એપ્રિલ, 2018 ના રોજ, 50 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા હતા. જોકે, કાળા હરણના શિકાર મુદ્દે બિશ્નોઈ સમુદાય તેમનાથી નારાજ છે અને તેમને સતત માફી માંગવા માટે કહી રહ્યો છે. આ કારણોસર બિશ્નોઈ ગેંગ સલમાનની પાછળ પડી છે.