Site icon Revoi.in

STની ભરતીમાં કૌભાંડનો ભાજપના નેતા જશુ ભીલનો કથિત વીડિયો વાયરલ, ભીલ પક્ષમાંથી સસ્પેન્ડ

Social Share

અમદાવાદ: છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુ ભીલનો એસટીમાં ભરતી કૌભાંડનો કથિત વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જશુ ભીલને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. પ્રદેશ ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના અગ્રણી અને છોટાઉદેપુર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જશુ ભીલને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે. ભાજપે શિસ્તભંગનું કારણ આપીને તેમને સસ્પેન્ડ કર્યા હોવાનું કહેવાય છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભરતી કૌભાંડો, પેપરો ફુટવા અને સ્પર્ધાત્મક પરીક્ષા મુલત્વી રાખવી વગેરે બાબતોને લઈને ભાજપ સામે માછલાં ધોવાઈ રહ્યા છે. ભાજપ પોતતાની ઈમેજ સુધારવાના પ્રયાસો કરી રહ્યું છે. ગુજરાતમાં બેરોજગારોની સંખ્યા ઘણીબધી છે. અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ ભરતીઓમાં પાર્દર્શકતા રાખવા ભાજપના હાઈકમાન્ડે પણ સુચના આપી છે. દરમિયાન છોટા ઉદેપુરમાં ભાજપના એક નેતાજીનો કથિત વીડિયોએ વિવાદના વમળ ઉભા કર્યા હતા. ભાજપનાં પૂર્વ નેતા જશુભાઈ ભીલનાં કથિત ભ્રષ્ટાચારનો કથિત વિડીયો વાયરલ થતા ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા હતા. અને સીઆર પાટીલના આદેશ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હોવાનું કહેવાય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રદેશ ભાજપ અનુસુચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ અને છોટાઉદેપુર જિલ્લાના પૂર્વ પ્રમુખ જસુભાઈ ભીલ અગાઉ એસ.ટી. નિગમમાં  ડિરેકટર રહી ચૂક્યા છે. તેઓના ડીરેક્ટર પદ વખતે એસ.ટી બસના કંડકટર ભરતી માટે સમદ મકરાણી નામના યુવક પાસેથી નાણા પડાવ્યાનો ઉલ્લેખ વાયરલ કથિત વિડીયોમાં કરવામાં આવ્યો હતો.એસ.ટી બસના કંડકટર ભરતી માટે સમદ મકરાણી નામના યુવકને નોકરી ન મળતા તેણે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ કર્યો હોવાનું ચર્ચાય છે. એટલું જ નહીં, સમદ મકરાણી પોતાના રૂપિયા પાછા લેવા પહોચ્યો હતો. ત્યારે જશુભાઈ ભીલે ઉમેદવાર પાસેથી લેવાયેલી રકમ આગળના અધિકારીઓને આપી દીધા હોવાનું જણાવ્યું હતું. હવે સવાલ એ થાય છે કે ઉચ્ચ અધિકારીઓ કોણ છે? તેનો ખુલાસો થતા જ કેટલાય મોટા માથાઓ સંડોવાય તેવી આશંકા પ્રવર્તી રહી છે.કથિત વિડિયોવાયરલ બાબતે ભાજપ નેતા જશુ ભીલની સ્પષ્ટતા કરી હતી કે, આ જૂનો વીડિયો હોય શકે છે. મારો કાર્યકાળ તો જૂન-જુલાઈ 2017માં પૂર્ણ થઈ ગયો હતો. મારી પાસે અનેક લોકો આવતા હોય છે. આ વીડિયો કોણે લીધો તેની મને ખબર નથી. જો કે, મેં તેમને ન્યાય અપાવવાની વાત કરી છે.