અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસ છેલ્લા કેટલા સમયથી રાજકારણથી નિષ્ક્રિય બનતા તેમને સાઈડલાઈન કરી દેવાયા છે. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે જયનારાયણ વ્યાસે અમદાવાદના સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાતના ખાસ ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ આશ્ચર્યજનક મુલાકાત બંધબારણે યોજાઇ અને આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી. આ મુલાકાતને પગલે વ્યાસ ખૂબ ઝડપથી ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ છે. જો કે વ્યાસે આ મુલાકાત બાદ જણાવ્યું હતું કે, નર્મદાને લઇને તેઓ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગહેલોતને મળ્યા હતા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે દરેક પક્ષમાં નેતાઓના મનામણા અને રિસામણા ચાલી રહ્યા છે. જયનારાયણ વ્યાસને છેલ્લા ઘણા સમયથી ભાજપમાંથી સાઈડલાઈન કરાયા છે. તેમની ગણતરી સ્પષ્ટ વક્તામાં થાય છે. ખોટું થતું હોય તો સરકારની આલોચના કરતા પણ ગભરાતા નથી. કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અને રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોત સાથે મુલાકાત બાદ વ્યાસે જણાવ્યું હતું કે, રાજસ્થાન સરકારે નર્મદાના પાણીના વ્યવસ્થાપનું નમૂનેદાર અને અદ્ભૂત કામ કર્યું છે. તેમણે રાજસ્થાનને મળેલા માત્ર અડધા મિલિયન એકર ફિટ પાણીમાંથી અઢી લાખ એકર જમીનમાં સિંચાઇ સુવિધા ઊભી કરી છે, જ્યારે ગુજરાતને 9 મિલિયન એકર ફીટ પાણી મળે છે અને હજુ ઘણું કામ કરવાનું બાકી છે. નર્મદાને લઇને વ્યાસ જે પુસ્તક લખી રહ્યા છે તે માટે પરામર્શ અર્થે તેઓ ગહેલોતને મળ્યા હતા.