અમદાવાદઃ ગુજરાતમાં ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પક્ષમાંથી રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળે છે. તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેમજ આગામી બજેટ સત્રમાં સાંસદ તરીકે પણ રાજીનામું આપવાનો ઉલ્લેખ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને મનસુખ વસાવાએ પત્ર લઈને જણાવ્યું હતું કે, ભાજપે તેમને ઘણું બધું આપ્યું છે. જે માટે પક્ષનો આભારી છું, શક્ય એટલી વફાદારીથી જવાબદારી નીભાવી છે.
પક્ષના મુલ્યો અને જીવનના મુલ્યો પણ અમલમાં મુકવા કાળજી રાખી છે. પરંતુ આખરે તો હું એક માનવી છું. મનુષ્યના નાતે જાણે-અજાણે પણ ભુલ થતી હોય છે. મારી ભુલના કારણે પક્ષને નુકસાન ન પહોંચે તે કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. બજેટ સત્ર દરમિયાન લોકસભા સભ્ય પદેથી પણ સ્પીકરને મળીને રાજીનામું આપીશ. મારા આ નિર્ણયથી કેન્દ્રીય નેતાગણને પણ જાણ કરશો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. જેની ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપતા તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.