અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.ના ભાજપના સત્તાધિશોએ વર્ષ પહેલા તમામ વોર્ડમાં બે વ્હાઈટ ટેપિંગ રોડ બનાવવાની જાહેરાત કરી હતી. હજુ વ્હાઈટ ટેપિગ રોડના કામો પૂર્ણ થયા નથી. કોંગ્રેસ દ્વારા આ પ્રશ્ને ગુરૂવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા જ હોબાળો કર્યો હતો. ત્યારે હવે ઝડપી કામગીરી માટે જરૂર પડે તો વધુ એજન્સીઓને કામ સોંપીને ચોમાસા પહેલા કામો પૂર્ણ કરવા ભાજપના સભ્યોએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુઆત કરી હતી.
અમદાવાદ શહેરમાં દરેક વોર્ડ દીઠ બે જેટલા વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવાની જાહેરાત એએમસીના ભાજપના સત્તાધીશો દ્વારા કરવામાં આવી હતી. જે અંતર્ગત દરેક વોર્ડમાં ઝડપથી વ્હાઇટ ટેપિંગ રોડ બને તેના માટે થઈને એક-બે કરતા વધુ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી કામગીરી કરાવવા માટેની રજૂઆત થઈ હતી. વ્હાઇટ ટેપિંગ રોડની હાલમાં કામગીરી ચાલે છે જેમાં બે જ એજન્સીઓ કામ કરે છે. જો કે બંને એજન્સીઓ સમયસર કામગીરી પૂર્ણ કરી શકતી નથી. તેથી વ્હાઇટ ટોપિંગ રોડ બનાવતા છ મહિના જેટલો સમય લાગે છે. ચૂંટણી પહેલા સમયસર રોડની કામગીરી પૂર્ણ થાય અને ચોમાસા પહેલા વ્હાઇટ ટોપિંગના કામો પૂરા કરવાના હોવાથી વધારે એજન્સીઓને કામગીરી આપી અને ઝડપથી કામગીરી પૂર્ણ થાય તેના માટે રજુઆતો મળતા સ્ટેન્ડિંગ કમિટીએ પણ સુચના આપી હતી. તેમજ કેટલીક જગ્યાએ રોડ બનાવતી વખતે પ્રશ્નો પણ ઉદ્ભવે છે. જેથી ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન ઊભા થાય તેને ધ્યાનમાં રાખીને પણ રોડ બનાવવા જણાવ્યું હતું.
શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેના કારણે મુખ્ય ચાર રસ્તાઓ ઉપર અને કેટલાક વિસ્તારમાં નવા બ્રિજ બનાવવાની જરૂરિયાત છે. જે અંગે પણ રોડ બિલ્ડીંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. શહેરના પાંજરાપોળ ચાર રસ્તા અને સુભાષબ્રિજ એમ બે વિસ્તારમાં નવા બ્રિજ બનાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. પાંજરાપોળ વિસ્તારમાં જે બ્રિજ બનાવવામાં આવશે.. આ બ્રિજ આઈઆઈએમથી પોલીટેકનિક તરફ બનાવવામાં આવશે જેને ઝડપથી કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે.