જામનગરઃ ગુજરાતમાં પાટિદાર અનામત આંદોલન દરમિયાન તત્કાલિન પાસના અગ્રણી હાર્દિક પટેલ સામે ભાજપની સરકાર દ્વારા અનેક કેસો નોંધવામાં આવ્યા હતા. ત્યારબાદ હાર્દિક પટેલે વાયા કોંગ્રેસથી ભાજપમાં પ્રવેશ મેળવીને વિરમગામના ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. હાર્દિક પટેલે સામે વર્ષ 2027માં જામનગરની એક સભામાં ઉગ્ર ભાષણ સામે ગુનો નોંધાયો હતો. આ અંગેનો કેસ જામનગરની કોર્ટમાં ચાલી જતાં તત્કાલિન પાસના નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અંકિત ઘેડિયાને નિર્દોષ જાહેર કરાયા છે.
આ કેસની વિગત એવી હતી કે 4થી નવેમ્બર 2017માં જ્યારે પાટીદાર આંદોલન ચાલી રહ્યું હતું એ દરમિયાન પૂર્વ પાસ નેતા હાર્દિક પટેલની આગેવાનીમાં જામનગરના ધૂળસિયામાં એક સભા યોજાઈ હતી. એ સભાની શૈક્ષણિક હેતુથી મંજૂરી લીધેલી હતી અને એમાં રાજકીય ભાષણ થતાં આ મુદ્દે ફરિયાદ થઈ હતી. એને લઇને હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યા હતો. રાજકીય ભાષણ કરવા બદલ પાસ કન્વીનર અંકિત ઘેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો દાખલ થયો હતો. જામનગર ચોથા એડિ.ચીફ જૂડી.મેજિસ્ટ્રેટ એમ.ડી.નંદાણીની કોર્ટમાં ચુકાદો જાહેર કરાયો છે. આ કેસમાં હાર્દિક પટેલના વકીલ દિનેશ વિરાણી તથા રશિદ ખીરાની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો છે. જાન્યુઆરી મહિનામાં જામનગર જ્યુડિશિયલ કોર્ટમાં ભાજપના નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે હાજરી આપી હતી. 2017માં પાટીદાર આંદોલન સમયે હાર્દિક પટેલ સામે ફરિયાદ નોંધાઈ હતી. એને લઇ હાર્દિક પટેલે ગયા મહિને પોતાના વકીલ સાથે એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં હાજરી આપી હતી. કોર્ટમાં હાજરી આપ્યા બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે 4 નવેમ્બર 2017ના રોજ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. એને લઇને એક ફરિયાદ કરવામાં આવી હતી. એ ફરિયાદને લઇને સ્ટેટ્મેન્ટ આપવા માટે કોર્ટમાં હાજરી આપી છે. કાયદાની પરિભાષામાં ન્યાયતંત્ર પર ભરોસો કરીને સંપૂર્ણ વિશ્વાસ સાથે મારો જવાબ રજૂ કરવા આવ્યો છું અને ભરોસો છે કે ભારતનું ન્યાયતંત્ર ચોક્કસ મને ન્યાય આપશે. જે પણ કોઇ ફરિયાદ થઇ છે એમાં નિર્દોષ છોડશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદના નિકોલનો વર્ષ 2018નો એક કેસ પણ હાર્દિક પટેલ પર ચાલી રહ્યો છે, જેમાં જાન્યુઆરીમાં સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહ્યા હતા. એને કારણે કોર્ટે સમન્સ પાઠવ્યું હતું. જોકે 8મી ફેબ્રુઆરીએ તેઓ ફરી ગેરહાજર રહેતાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ટકોર કરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, પાસ નેતાથી શરૂઆત કરી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે બાદમાં તેઓ ભાજપમાં જોડાઇ ગયા હતા અને પાર્ટીએ ટિકિટ આપતાં 2022ની વિધાનસભાની ચૂંટણીમાં વિરમગામ બેઠક પરથી સૌથી વધુ 51, 555ની લીડ સાથે જીતનો ઇતિહાસ બનાવ્યો હતો. (file photo)