Site icon Revoi.in

ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ પર કૂહાડીથી હુમલો,

Social Share

 અમરેલીઃ રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન શિયાળ પર જાફરાબાદમાં કૂહાડીથી હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. જાફરાબાદમાં સમુદ્રમાં ગત મોડી રાતે સામા કાંઠે બોટ મુકવા બાબતે કેટલાક લોકો સાથે સ્થાનિક વ્યક્તિઓ અને ચેતન શિયાળને ભારે માથાકૂટ થઈ હતી. આ ઘટનાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ચેતન શિયાળનો હથિયાર કાઢતો વિડિયો પણ વાયરલ થયો હતો. આ ઘટના બાદ જાફરાબાદમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ અને અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ ચેતન શિયાળ પર કુહાડી વડે હુમલો કરાતા જિલ્લામાં ચકચાર મચી છે. ચેતન શિયાળને ગંભીર ઈજા થતાં સારવાર માટે ભાવનગર ખસેડાયા છે. જાફરાબાદ જેટીમાં રસ્તા પર વાહનો આડાં રાખી દેવા બાબતે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હોવાનું કહેવાય છે. મારામારીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો જેમાં ચેતન શિયાળના હાથમાં પણ રિવોલ્વર જોવા મળી રહી છે. આ વીડિયો અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ચેતન શિયાળના પિતા દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બે સિવાય તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જાફરાબાદ બંદરની ટી ટાઈપ જેટી પર ફરિયાદી ચંદ્રકાંતભાઈ શિયાળ અને અન્ય સાહેદો માછીમારી કરી પરત આવેલા હતા. જેથી માછલી ખાલી કરવા માટે ચંદ્રકાંતભાઈ અને અન્ય સાહેદો જેટી પર જઈ રહ્યા હતા. ત્યારે આ કામના આરોપી યશવંત બારૈયાનું બરફ ભરેલું ટ્રેક્ટર રસ્તામાં આડું પડ્યું હતું. જે સાઈડમાં રાખવા માટે ચંદ્રકાંતભાઈએ કહેતા યશવંત બારૈયા સહિતના આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ચંદ્રકાંતભાઈ સાથે બોલાચાલી શરૂ કરી હતી. જેથી ચંદ્રકાંતભાઈના પુત્ર ચેતનભાઈ શિયાળ કે જે હાલ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ છે તેઓને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળ પહોંચ્યા હતા. જેને ઘટનાસ્થળે જોઈ આરોપીઓ ઉશ્કેરાયેલા હતા અને તેના પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી સોનાના ચેઈનની લૂંટ ચલાવી હતી.

જાફરાબાદની ટી જેટી પર હુમલાના બનાવમાં ચેતન શિયાળને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગરમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. બનાવના પગલે અમરેલી ભાજપના નેતાઓ રાત્રિના સમયે જ ભાવનગર હોસ્પિટલ પર દોડી ગયા હતા. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ચેતન શિયાળ હાલ અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીના જમાઈ થાય છે. જાફરાબાદ કોળી સમાજના આગેવાન પણ છે.