ભાજપની ધારાસભ્ય દળની બેઠક મળશે, મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુકાશે
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બાદ સરકાર બનાવવાની કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન શનિવારે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્ય દળની બેઠક મલશે. જેમાં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ મુકવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપાનો 156 જેટલી બેઠકો ઉપર ઐતિહાસિક વિજય થયો છે. તેમજ તા. 12મી ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ લેશે. 10મી ડિસેમ્બરે ભાજપના ધારાસભ્ય દળની ગાંધીનગરમાં બેઠક મળે તેવી શકયતા છે. ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવશે. જેમાં ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુકાશે. ધારાસભ્ય દળના નેતા નક્કી થયા બાદ સરકાર બનાવવા માટેનો રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ મુકવામાં આવશે. અને 12મી ડિસેમ્બરે નવી સરકારની શપથવિધિ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપાએ વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો જીતી છે. દરમિયાન સીઆરપાટીલે તા. 12ના રોજ શપથવિધિ સમારોહની જાહેરાત કરી હતી. એટલું જ નહીં ભુપેન્દ્ર પટેલના આગેવાનીમાં જ ચૂંટણી લડવામાં આવશે.