ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરોની પણ કફોડી હાલતઃ અધિકારીઓ સાંભળતા નથી લોકોને શું જવાબ આપવો?
અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસ પ્રતિદિન 5000થી વધુ નોંધાઈ રહ્યા છે. ઘેર-ઘેર કોરોનાના દર્દીઓ જોવા મળી રહ્યા છે. શહેરની તમામ ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ બની ગઈ છે. 108 સેવામાં પણ લાંબુ વેઈટિંગ જાવા મળી રહ્યુ છે. આવી વિકટ સ્થિતિમાં લોકો પોતાના વિસ્તારના કોર્પોરેટરો અને ધારાસભ્યોની મદદ માગી રહ્યા છે. પણ સત્તાધારી પક્ષના ધારાસભ્યો કે કોર્પોરેટરો પણ લાચાર બનીને મદદ કરી શક્તા નથી. આવી સ્થિતિમાં ધારાસભ્યો અને કોર્પોરેટરો પક્ષના મોવડી મંડળ સમક્ષ બળાપો કાઢી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં એક તરફ નાગરિકો હોસ્પિટલાઇઝેશન માટે દરબદર ઠોકર ખાઇ રહ્યાં છે, રેમડેસિવિર ઇન્જેક્શન ક્યાંય મળતાં નથી, 108ને ફોન કરો તો 10 કલાકેય આવતી નથી આવી કપરી સ્થિતિમાં નાગરિકો સ્થાનિક કોર્પોરેટરને ફરિયાદ કરે તો તેમના ફોન અધિકારીઓ ઉપાડતાં નથી, આ સ્થિતિ અંગે સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદો ઉઠતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન્દ્ર બારોટે અધિકારીઓ પર ગુસ્સો ઠાલવતાં ચીમકી આપી હતી કે, ફોન નહીં ઉપાડનાર અધિકારી સામે હું શિસ્તભંગના પગલાં લેવા ભલામણ કરીશ, પછી ભલે તે આઇએએસ અધિકારી કેમ ન હોય?
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીરૂમમાં કોર્પોરેટર પ્રદીપ દવેએ ચેરમેન સમક્ષ રજૂઆત કરી હતી કે, નાગરિકો આપણી પાસે અપેક્ષા રાખી રહ્યાં છે. તેઓ ફોન કરીને 108 વહેલી આવે તે માટે રજૂઆત કરે છે, ફોન કર્યાના 10-12 કે 15 કલાકે 108 આવે છે. એટલું જ નહી ડે. મ્યુનિ.કમિશનર સહિત અન્યોને ફોન કરતાં તેઓ ફોન ઉપાડતાં નથી તો પછી અમે લોકોને કઇ રીતે સમજાવીએ? દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક શરૂ કરવા છતાં પણ ડે. મ્યુનિ. કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ બેઠકમાં ઓનલાઇન પણ હાજર થયા ન હતાં. જેની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને ગંભીર નોંધ લેતાં અધિકારીઓને કહ્યું કે, નાગરિકો કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદોને ફોન કરી રહ્યાં છે અને અધિકારીઓ તેમના ફોન પણ ઉપાડતા નથી.
જો અધિકારીઓ ફોન નહી ઉપાડે તો આઇએએસ અધિકારી સામે પણ શિસ્તભંગના પગલાં માટે કમિટીમાં ઠરાવ લવાશે. તમે ભાજપની પ્રતિષ્ઠા બગાડો છો. એક તરફ ખાનગી હોસ્પિટલોમાં તમે 12 હજાર બેડ 20 ટકા લેખે મેળવ્યા છે અને ક્યાં કેટલા બેડ ખાલી છે તેની જાણ પણ કોર્પોરેટરોને પણ કરતાં નથી.