અમદાવાદઃ રાજ્યમાં જે સરકારી શાળાઓમાં ઓછા વિદ્યાર્થીઓ હોય તો તે શાળાને ભાજુમાં આવેલી શાળામાં મર્જ કરીને સરકાર ખર્ચ ઘટાડી રહી છે. ત્યારે વડોદરા જિલ્લાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે શિક્ષણમંત્રીને પત્ર લખીને પોતાના મત વિસ્તારમાં આવેલ શાળાઓ મર્જ નહીં કરવા જણાવ્યું છે. તેમણે પત્રમાં શાળા મર્જ કરવામાં આવશે તો ડ્રોપઆઉટ રેશિયો વધવાની શક્યતા વ્યક્ત કરી છે. તે ઉપરાંત શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે વધુ શિક્ષકોને મૂકવા આવે અને શિક્ષકો પાસેથી પરિણામ મેળવવાની માંગણી કરી છે.
વડોદરાના સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. જેમાં એવી રજુઆત કરી હતી કે મારો મત વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ મોટો છે. જેમાં 114 ગ્રામ પંચાયત છે. એક ગામથી બીજા ગામનું અંતર પણ ખૂબ વધારે છે. જેથી ગામની બહાર બાળકોને શિક્ષણ માટે મોકલવા શક્ય નથી. હાલ સરકાર દ્વારા ઓછા બાળક હોય તેવી શાળાઓ મર્જ કરવાની છે. પરંતુ શાળાઓ મર્જ થાય તો બાળકને એક ગામથી બીજા ગામે જવું પડે એમ છે. ત્યારે વાલીઓ બાળકને બીજા ગામે મોકલી શકે તેમ નથી. વાલીઓએ અનેક વખત રજૂઆત કરી છે. શાળાઓમાં અત્યારે ડ્રોપ આઉટ રેશિયો પણ વધી રહ્યો છે. તમામ બાબતોને જોતા શાળાઓ મર્જ ના કરવી જોઈએ અને શિક્ષણનું સ્તર સુધારવા માટે શાળાઓમાં વધુ શિક્ષકો મૂકવા જોઈએ.
ધારાસભ્ય કેતન ઈમાનદારે જણાવ્યું હતું મારા મત વિસ્તારમાં 252 સ્કૂલો આવેલી છે. મારો મત વિસ્તાર ભૌગોલિક રીતે ખૂબ મોટો છે. શાળાઓ મર્જ કરવામાં આવશે તો બાળકોનો ડ્રોપ રેશિયો હજુ વધશે. શાળાઓ મર્જ કરવામાં આવે તો શાળાઓના બિલ્ડિંગ પણ એમ જ રહેશે જેથી શાળાઓ મર્જ કર્યા વિના વધારાના શિક્ષકોને શાળાઓમાં મૂકવા જોઈએ જેથી શિક્ષણનું સ્તર સુધરશે. ઉપરાંત શિક્ષકોને સારો પગાર આપવામાં આવે છે તો શિક્ષક પાસેથી બાળકોનું સારું પરિણામ મેળવવું જોઈએ તે માટે શિક્ષકો અને શાળાઓનું મોનીટરીંગ થવું જોઈએ.