Site icon Revoi.in

ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબ 18મી લોકસભાના પ્રોટેમ સ્પીકર બન્યા

Social Share

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી શરૂ થઈ છે. આજે પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, ભાજપના સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લેવડાવ્યા હતા. 3 જુલાઇ સુધી ચાલનારા સત્રના પ્રથમ બે દિવસે, સાંસદોને શપથ ગ્રહણ કરવામાં આવશે. નવા લોકસભા અધ્યક્ષની ચૂંટણી બુધવારે થશે. જ્યારે ગુરુવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.

ભાજપ સાંસદ ભર્તૃહરિ મહતાબ 18મી લોકસભામાં પ્રોટેમ સ્પીકર હશે. નવા ચૂંટાયેલા સાંસદોને માત્ર ભર્તૃહરિ મહતાબ જ શપથ લેવડાવશે.  મહતાબ ઓડિશાના કટકથી 57077 વોટથી ચૂંટણી જીત્યા હતા. તેમણે બીજેડીના સંતરૂપ મિશ્રાને હરાવ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ 95(1) હેઠળ કટકના ભાજપના સભ્ય ભર્ત્રીહરિ મહતાબને અસ્થાયી પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સુધી લોકસભાના પ્રિસાઇડિંગ ઓફિસરની ફરજો નિભાવશે.

લોકસભા ચૂંટણી પહેલા ભર્તૃહરિ મહતાબ બીજેડી છોડીને ભાજપમાં જોડાયા હતા.  સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે, 7 વખત સાંસદ રહી ચૂકેલા ભર્તૃહરિ મહતાબને લોકસભાના અસ્થાયી અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 18મી લોકસભાના નવા ચૂંટાયેલા સભ્યો પ્રોટેમ સ્પીકર સમક્ષ શપથ લેશે. તેમને અધ્યક્ષોની પેનલ દ્વારા મદદ કરવામાં આવશે.

આ પેનલમાં કોંગ્રેસના નેતા કે સુરેશ, ડીએમકે નેતા ટીઆર બાલુ, ભાજપના સાંસદ રાધા મોહન સિંહ અને ફગ્ગન સિંહ કુલસ્તે અને ટીએમસી નેતા સુદીપ બંદોપાધ્યાયનો સમાવેશ થશે. 18મી લોકસભાનું પ્રથમ સત્ર આજથી શરૂ થશે. નવા ચૂંટાયેલા સભ્યો 24-25 જૂને શપથ લેશે. જ્યારે લોકસભા અધ્યક્ષની ચૂંટણી 26 જૂને યોજાવાની છે.