Site icon Revoi.in

BJP સાંસદ મેનકા ગાંધીએ ભત્રીજા રાહુલ ગાંધી અને પ્રિયંકાને આપી આ ખાસ સલાહ

Social Share

લખનૌઃ લોકસભા ચૂંટણી 2024 માટે ઉત્તર પ્રદેશમાં પ્રચારની સાથે-સાથે નેતાઓ વચ્ચેના શબ્દીક યુદ્ધને કારણે રાજકીય તાપમાન પણ ઉંચુ થઈ ગયું છે. તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના સાંસદ અને સુલતાનપુરના વર્તમાન ઉમેદવાર મેનકા ગાંધી દ્વારા ગાંધી પરિવારના જમાઈ રોબર્ટ વાડ્રા પર આપવામાં આવેલ નિવેદન ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ સલાહ આપી છે.

બીજેપી સાંસદ મેનકા ગાંધીને તેમના ભત્રીજા રાહુલ ગાંધી વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષને રાજકારણમાંથી બ્રેક લેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસ હવે ત્યારે જ આગળ વધી શકશે જ્યારે તેની પાસે નવો વિચાર કે નવા નેતા હશે. જ્યારે તેમને રાયબરેલીથી ચૂંટણી લડી રહેલી ભત્રીજી પ્રિયંકા ગાંધી સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, તેઓ પણ રાહુલ ગાંધી જેવી સ્થિતિમાં છે.

વરુણ ગાંધીની ટિકિટ રદ્દ થવા પર ભાજપના નેતા મેનકા ગાંધીએ કહ્યું, “આ પાર્ટીનો નિર્ણય છે. વરુણ ખૂબ જ સારા સાંસદ હતા.” વરુણ ગાંધીના અલગથી ચૂંટણી લડવાના પ્રશ્ન પર તેમણે કહ્યું, “ના… અમે એવા લોકો નથી.” નોંધનીય છે કે ટિકિટ કાપ્યા બાદ અત્યાર સુધી વરુણ ગાંધી જોવા મળ્યા નથી, ત્યારબાદ તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, મેનકા ગાંધી પહેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આવી જ સલાહ આપી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી છેલ્લા 10 વર્ષથી પાર્ટી માટે પરિણામ લાવવામાં અસમર્થ સાબિત થયા છે. તેમ છતાં, તેઓ ન તો બીજાને તક આપી રહ્યા છે અને ન તો તેઓ પોતાને દૂર કરી રહ્યા છે. જ્યારે તમે છેલ્લા 10 વર્ષથી એક જ કામ કરી રહ્યા છો અને કોઈ સફળતા મળી નથી, તો બ્રેક લેવામાં કોઈ નુકસાન નથી.

(ફોટો-પ્રતિકાત્મક)