નવી દિલ્હીઃ બીજેપી સાંસદ રમેશ બિધુરીએ BSP સાંસદ દાનિશ અલી પર કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી માંગી છે. બીજેપી સાંસદે કહ્યું કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે દાનિશ અલી વિરુદ્ધ કરેલી ટિપ્પણી બદલ ખેદ વ્યક્ત કર્યો હતો.. બિધુરીએ સંસદીય સમિતિને કહ્યું કે તેમને પણ આનો અફસોસ છે. લોકસભામાં બોલતી વખતે રમેશ બિધુરીએ બીએસપી સાંસદ દાનિશ અલી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જે બાદ રાજકારણ ગરમાયું હતું. બાદમાં લોકસભા અધ્યક્ષે રમેશ બિધુરીના શબ્દોને કાર્યવાહીમાંથી હટાવી દીધા હતા. રમેશ બિધુરીની ટિપ્પણી પર વિપક્ષી નેતાઓએ લોકસભામાં હંગામો કર્યો અને બિધુરીને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.
વિવાદાસ્પદ ટિપ્પણી બાદ સાંસદ દાનિશ અલી અને ભાજપના સાંસદ રમેશ બિધુરી વચ્ચેના વિવાદ પર લોકસભાની વિશેષાધિકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં બંને સાંસદો વિશેષાધિકાર સમિતિ સમક્ષ હાજર થઈને તેમના પર લાગેલા આરોપો પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. સંસદના વિશેષ સત્રમાં ચંદ્રયાન-3ની સફળતા અને અવકાશ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિઓ પર ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધુરીએ 21 સપ્ટેમ્બરે દાનિશ અલી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ પછી કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, એનસીપી સાંસદ સુપ્રિયા સુલે સહિત ઘણા વિપક્ષી સાંસદોએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને બિધુરી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
બીજી તરફ ભાજપના સાંસદ નિશિકાંત દુબે અને રવિ કિશને લોકસભા અધ્યક્ષને પત્ર લખીને દાવો કર્યો હતો કે દાનિશ અલીએ અગાઉ રમેશ બિધુરીને ઉશ્કેરવા માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ મામલે ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવે પણ દાનિશ અલીના વર્તન અંગે લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી હતી.